સિંધુ બૉર્ડરે યુવકની હત્યા પછી ખેડૂત સંગઠનો ચેત્યા

17 October, 2021 11:09 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દલિતની હત્યાને માયાવતીએ શરમજનક કૃત્ય ગણાવ્યું

પ્રતીકાત્મક તસવીર

શુક્રવારે દિલ્હીના સિંધુ બૉર્ડર નજીક ખેડૂતોના વિરોધ-પ્રદર્શનના સ્થળ પાસે એક સિખ વ્યક્તિની થયેલી કરપીણ હત્યા મામલે આજે ખેડૂત સંગઠનોએ નિવેદનો જાહેર કર્યાં છે. સંયુક્ત કિસાન મોરચાએ આ ઘટનામાં માર્યા ગયેલા શખ્સ અને હત્યારા એ બેમાંથી કોઈની પણ સાથે મોરચાને સંબંધ ન હોવાની સ્પષ્ટતા કરી છે. બીજી તરફ બહુજન સમાજ પક્ષ (બીએસપી)નાં સુપ્રીમો માયાવતીએ ગઈ કાલે કહ્યું હતું કે સિંધુ સરહદે દલિત યુવાનની હત્યા શરમજનક કૃત્ય છે.

બીજી તરફ ભારતીય કિસાન યુનિયને કહ્યું હતું કે આ ઘટનાને લઈને વિરોધ-પ્રદર્શન માટેના સ્થળે વધારે સીસીટીવી કૅમેરા ગોઠવવામાં આવશે. સુરક્ષાની ફરી સમીક્ષા કરવામાં આવશે અને સ્વયંસેવકોને વિરોધ-પ્રદર્શનમાં મોકલવાની રણનીતિ પણ બદલવામાં આવશે.

શુક્રવારે દિલ્હી પાસેની સિંધુ બૉર્ડર પર પોલીસ બૅરિકેડ પર બાંધેલો ૩૬ વર્ષના લખબીર સિંહનો મૃતદેહ મળ્યો હતો. તેના શરીર પર ૧૦ કરપીણ ઘા હતા અને તેનો ડાબો હાથ કાપી નાખવામાં આવ્યો હતો. હત્યાના થોડા કલાકો પછી એક નિહંગ વ્યક્તિએ સિખોના પવિત્ર પુસ્તકના અપમાન માટે લખબીર સિંહને આ સજા આપી હોવાનો દાવો કર્યો હતો.

પોલીસે સરબજિત સિંહ નામના એ નિહંગ શખ્સની અટકાયત કરી છે. કેન્દ્ર સરકારના કૃષિકાયદાઓ સામે ખેડ઼ૂતો વિવિધ સ્થળે વિરોધ કરી રહ્યા છે, એમાં દિલ્હી અને હરિયાણાની સરહદ પર આવેલો સિંધુ બૉર્ડર વિસ્તાર મુખ્ય છે.

તરત ખાલી કરાવો સિંધુ બૉર્ડર : લિન્ચિંગ પછી સુપ્રીમનો આદેશ

ખેડૂત આંદોલનના મંચ પાસેથી દલિત શખ્સ લખબીર સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક પંજાબના તરનતારન જિલ્લાનો રહેવાસી હતો. તેને ૩ દીકરીઓ છે જે પોતાની માતા સાથે રહે છે. ઉલ્લેખનીય છે કે ખેડૂત આંદોલન સાથે સંકળાયેલા વિવિધ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અનેક વખત સુનાવણી થઈ ચૂકી છે. આ મહિનાની શરૂઆતમાં દિલ્હીના ખેડૂતો સાથે સંકળાયેલા ‘કિસાન મહાપંચાયત’ નામના સંગઠન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આકરી ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે તમે ટ્રેનો રોકી રહ્યા છો, હાઇવે બંધ કરી રહ્યા છો, શું શહેરી લોકો તેમનો ધંધો બંધ કરી દે, શું આ લોકો શહેરોમાં તમારાં ધરણાંથી ખુશ હશે? કોર્ટે આગળ કહ્યું હતું કે તમે લોકો આખા શહેરને અવરોધી રહ્યા છો અને હવે તમે શહેરમાં ઘૂસીને પ્રદર્શન કરવા માગો છો. તમે કૃષિ કાયદાના વિરોધમાં સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છો, એનો મતલબ કે તમને કોર્ટ પર ભરોસો છે. તો પછી

વિરોધ-પ્રદર્શનની શું જરૂર છે? દલિત શખ્સ યુવકની હત્યા મામલે એક નિહંગે પોલીસ સામે સરેન્ડર કરી દીધું છે. નિહંગ સરવજિત સિંહે કરેલા દાવા પ્રમાણે તેણે જ હત્યા કરી હતી.

national news new delhi