પ્રાધ્યાપક સાંઈબાબાની પરોલની અરજી પર HCએ રાજ્ય સરકારનો જવાબ માગ્યો

12 August, 2020 12:20 PM IST  |  Mumbai | Agencies

પ્રાધ્યાપક સાંઈબાબાની પરોલની અરજી પર HCએ રાજ્ય સરકારનો જવાબ માગ્યો

જી. એન. સાંઈબાબા

મુંબઈ વડી અદાલતની નાગપુર બેન્ચે માઓવાદીઓ સાથેના સંબંધોને કારણે ધરપકડ કરવામાં આવેલા દિલ્હી યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રાધ્યાપક જી. એન. સાંઈબાબાની પરોલની અરજી પર મહારાષ્ટ્ર સરકારનો જવાબ માગ્યો હતો. નાગપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદ ભોગવતા જી. એન. સાંઈબાબાએ હૈદરાબાદમાં તેમની માતાની મરણોત્તર ક્રિયામાં હાજરી માટે ઇમર્જન્સી પરોલ પર છોડવાની અરજી મુંબઈ વડી અદાલતમાં કરી હતી.

સાંઈબાબાની માતા ખૂબ બીમાર હોવાથી તેમના વકીલોએ માતા-પુત્ર વચ્ચે વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા સંવાદ યોજવાના પ્રયત્ન કર્યા હતા, પરંતુ સાંઈબાબાની માતા ૧ ઑગસ્ટે અવસાન પામ્યાં હતાં. એ વખતે માતાની અંતિમક્રિયામાં હાજરી માટે પરોલ પર છોડવાની માગણી કરતી સાંઈબાબાની અરજી જેલ ખાતાના અધિકારીઓએ નામંજૂર કરી હતી. ત્યાર પછી તેમણે માતાની મરણોત્તર ક્રિયામાં હાજરી માટે ઇમર્જન્સી પરોલ પર છોડવાની માગણી કરતી અરજી મુંબઈ વડી અદાલતમાં કરી હતી. શારીરિક અપંગત્વ ધરાવતા વ્હીલચૅર પર ફરતા ૫૧ વર્ષના સાંઈબાબાએ માતાની બીમારીને કારણે તેમને મળવા માટે ૨૦૧૭માં જામીન અરજી કરી હતી. એ અરજી ૨૦૧૭ની 28 જુલાઈએ વડી અદાલતે નામંજૂર કરી હતી. વિદર્ભના ગડચિરોલીની સેશન્સ કોર્ટે પ્રા. સાંઈબાબા, એક પત્રકાર અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી સહિત પાંચ જણને નક્સલવાદી પ્રવૃત્તિ બદલ દોષી ઠેરવીને સજા ફટકારી હતી.

new delhi bombay high court nagpur mumbai mumbai news