જો હું રાજીનામું આપી દઉં તો પણ કૉન્ગ્રેસના નસીબમાં કોઈ ફરક નહીં પડે, એણે તો આવતાં ૧૫ વર્ષ વિપક્ષમાં જ બેસવાનું

19 December, 2024 10:30 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અમિત શાહે રાજ્યસભામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે એવો આરોપ મૂકીને તેમનું રાજીનામું માગનારા મલ્લિકાર્જુન ખડગેને ગૃહપ્રધાનનો જવાબ

ગઈ કાલે પત્રકાર પરિષદને સંબોધન કરતા અમિત શાહ

કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારે સંસદમાં ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર પર કરેલી ટિપ્પણીથી ખફા થયેલા કૉન્ગ્રેસના પ્રેસિડન્ટ મલ્લિકાર્જુન ખડગેએ મધરાતે જ તેમનું રાજીનામું લઈ લેવામાં આવે એવી માગણી કરી હતી. એનો જવાબ આપતાં અમિત શાહે ગઈ કાલે કહ્યું હતું કે મારા રાજીનામાથી કોઈ ફરક નહીં પડે, તેમણે (કૉન્ગ્રેસે) હજી ૧૫ વર્ષ સુધી વિરોધ પક્ષ તરીકે જ બેસવાનું છે.

મલ્લિકાર્જુન ખડગેએ કરેલી માગણીના જવાબમાં અમિત શાહે ગઈ કાલે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ‘ખડગેજી મારું રાજીનામું માગી રહ્યા છે. જો એ આપવાથી તેમને ખુશી મળતી હોય તો મેં રાજીનામું આપી દીધું હોત, પણ એનાથી તેમની સમસ્યાઓનો અંત આવે એમ નથી, કારણ કે તેમણે એ જ જગ્યાએ (વિરોધ પક્ષની બેન્ચ પર) આવનારાં ૧૫ વર્ષ બેસવાનું છે. મારા રાજીનામાથી એમાં કશો ફરક નહીં પડે.’

એ પહેલાં રાજ્યસભાના સભ્ય અને કૉન્ગ્રેસના પ્રેસિડન્ટ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં થયેલી ચર્ચા વખતે અમિત શાહે ડૉ. બાબાસાહેબ આંબેડકર પર કરેલી ટિપ્પણી બદલ અમિત શાહ માફી માગે એવી માગણી કરી હતી. એ સિવાય પત્રકાર પરિષદમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અરજી કરતાં કહ્યું હતું કે જો તમે ખરેખર આંબેડકરને માન આપતા હોત તો મધરાતે જ  અમિત શાહનું રાજીનામું લઈ લો. તેમણે કહ્યું હતું કે ‘અમે માગણી કરીએ છીએ કે અમિત શાહ માફી માગે. જો નરેન્દ્ર મોદી ખરેખર ડૉ. બાબાસાહેબ આંબેડકરને માનતા હોય તો તેમણે મધરાતે જ તેમને હાંકી કાઢવા જોઈએ, તેમને પ્રધાનમંડળમાં રહેવાનો હક નથી. તેમનું રાજીનામું લઈ લેવું જોઈએ, તો જ જનતા શાંત રહેશે નહીં તો લોકો વિરોધ કરશે. લોકો ડૉ. બાબાસાહેબ આંબેડકર માટે તેમનો જીવ આપી દેતા અચકાશે નહીં.’

ગઈ કાલે અમિત શાહના નિવેદનનો વિરોધ કરતાં મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય નેતાઓ

નરેન્દ્ર મોદીએ બાબાસાહેબ વિશે કરેલી ટિપ્પણી બાબતે અમિત શાહનો બચાવ કરતાં કહ્યું હતું કે અમિત શાહે કૉન્ગ્રેસે બાબાસાહેબ આંબેડકર સાથે શું કર્યું હતું એની હકીકત જાહેર કરી તેમનો કાળો ઇતિહાસ ઉઘાડો પાડી દેતાં તેઓ ડઘાઈ ગયા છે.

મંગળવારે રાજ્યસભામાં સ્પીચ આપતી વખતે કૉન્ગ્રેસ પર વરસી પડતાં અમિત શાહે કહ્યું હતું કે ‘હવે એક ફૅશન થઈ ગઈ છે આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર. જો આટલી વાર ભગવાનનું નામ લીધું હોત તો સાત જન્મ સુધી સ્વર્ગ મળી ગયું હોત.’

અમિત શાહે વધુમાં કહ્યું હતું કે ‘તેમને (આંબેડકરને) આશ્વાસન આપવામાં આવ્યું હતું જે ક્યારેય પૂરું ન કરાયું. તેમને ગણતરીમાં ન લેવાતાં તેમણે રાજીનામું​ આપી દીધું હતું. બી. સી. રૉયે આ બાબતે પત્ર લખીને કહ્યું હતું કે આંબેડકર અને રાજાજી જેવા બે મહાનુભાવો પ્રધાનમંડળ છોડી જશે તો શું થશે. એના પર નેહરુજીએ જવાબ આપતાં કહ્યું હતું કે રાજાજીના જવાથી થોડું ઘણું નુકસાન થશે, પણ આંબેડકરના જવાથી પ્રધાનમંડળ નબળું નહીં પડે.’

અરવિંદ કેજરીવાલે પણ અમિત શાહના વિરોધમાં દેખાવો કર્યા હતા

અમિત શાહના એ નિવેદન પછી રાજકીય વિરોધ ફાટી નીકળ્યો હતો અને કૉન્ગ્રેસ તેમને આંબેડકરવિરોધી હોવાનું કહી તેમના રાજીનામાની માગ કરી હતી. 

amit shah bharatiya janata party babasaheb ambedkar mallikarjun kharge congress rahul gandhi arvind kejriwal aam aadmi party political news indian politics national news