07 August, 2025 11:42 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દિલ્હીમાં નરેન્દ્ર મોદીને શ્રાવણ માસ નિમિત્તે ભગવાન શંકરની ફોટોફ્રેમ ભેટ આપતા એકનાથ શિંદે અને તેમના પરિવારજનો.
નવી દિલ્હીમાં અત્યારે નેતાઓની અવરજવર વધી ગઈ છે. ખાસ કરીને મહારાષ્ટ્રની રાજનીતિનો માહોલ આગામી ચૂંટણીને લીધે ગરમાયો છે ત્યારે નેતાઓની હલચલે અનેક અટકળો ઊભી કરી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગઈ કાલે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. સપરિવાર વડા પ્રધાન સાથે તેમની આ એક શુભેચ્છા-મુલાકાત હતી, પરંતુ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથેના તેમના સંબંધો પર અનેક લોકોએ પ્રશ્નાર્થ કરીને વડા પ્રધાન સાથેની મુલાકાત બાબતે અટકળો ઊભી કરી હતી. જોકે એકનાથ શિંદેએ પ્રેસ-કૉન્ફરન્સમાં આવી બધી અટકળો પર પૂર્ણવિરામ મૂકતાં કહ્યું હતું કે ‘અમારા સંબંધોમાં કોઈ તનાવ નથી. અમે સાથે મળીને મહારાષ્ટ્રના વિકાસ માટે કામ કરી છીએ.’
ઑપરેશન સિંદૂર બદલ વડા પ્રધાનને તેમણે શુભેચ્છા આપી હતી તેમ જ આર્ટિકલ ૩૭૦ હટાવવા માટેના અમિત શાહ અને બાળ ઠાકરેના વિઝનની પણ પ્રશંસા કરી હતી. આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેઓ નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA) સાથે હોવાનું પણ જણાવ્યું હતું.
આ અગાઉ શિવસેનાના અધ્યક્ષ એકનાથ શિંદે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા હતા જ્યાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની કૉર્પોરેશનની ચૂંટણીમાં BJP, શિવસેના (એકનાથ શિંદે) અને અજિત પવારની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રવાદી પાર્ટી એક થઈને લડશે. તેમણે અમિત શાહને સૌથી લાંબા સમય માટે ગૃહપ્રધાનનું પદ સંભાળવા બદલ અભિનંદન આપ્યાં હતાં.