હૈદરાબાદના પ્રાણી સંગ્રહાલયમાં આઠ સિંહ કોરોના પૉઝિટિવ

04 May, 2021 05:38 PM IST  |  Hyderabad | Gujarati Mid-day Online Correspondent

ભારતમાં બન્યો પ્રથમ બનાવ

પ્રતીકાત્મક તસવીર

ભારતનાં કોરોના વાયરસ (COVID-19)નો પ્રકોપ સતત વધી રહ્યો છે. અત્યાર સુધી ફક્ત માણસો જ ચપેટમાં આવતા હતા પણ હવે તો પ્રાણીઓ પણ આ જીવલેણ વાયરસની ચપેટમાં આવી રહ્યાં છે. હૈદરાબાદના એક ઝૂમાં આઠ એશિયાટિક સિંહ કોરોના સંક્રમિત થયા છે. તેમનામાં કોરોના લક્ષણ દેખાતા તેમનો રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો, જેમાં તેઓ પૉઝિટિવ હોવાની જાણ થઈ હતી. ભારતમાં આ પ્રકારનો આ પ્રથમ કિસ્સો છે.

મળતી માહિતી પ્રમાણે, ૨૯ એપ્રિલના રોજ સેન્ટર ફોર સેલ્યૂલર એન્ડ મોલેક્યૂલર બાયોલોજી (સીસીએમબી)એ મૌખિક જણાવ્યું કે નેશનલ ઝૂલોજિકલ પાર્ક (એનઝેડપી)ના આઠ સિંહોનો આરટી-પીસીઆર ટેસ્ટ થયો હતો, જેમાં તે પૉઝિટિવ જણાયા હતા. એનઝેડપીના ક્યૂરેટર અને ડાયરેક્ટર ડો. સિદ્ધાનંદ કૂકરેતીએ આ અંગે કોઇ સ્પષ્ટતા નથી કરી. જોકે તેમણે જણાવ્યું કે, એ સાચુ છે કે સિંહમાં કોરોનાના લક્ષણો દેખાયા હતા પરંતુ અત્યાર સુધી સીસીએમબી તરફથી તેમને આરટી-પીસીઆર રિપોર્ટ નથી મળ્યો.

૨૪ એપ્રિલના રોજ પાર્કમાં કામ કરી રહેલા કર્મચારીઓને સિંહોમાં કોરોનાના લક્ષણો દેખાયા હતા. ત્યારબાદ નેહરૂ ઝુલોજિકલ પાર્કના અધિકારીઓએ તેમનો કોરોના રિપોર્ટ કઢાવવાનો નિર્ણય કર્યો હતો.

નાગરિકો માટે ઝૂને બે દિવસ પહેલા જ બંધ કરવામાં આવ્યું છે. ઝૂ જે વિસ્તારમાં આવેલ છે, તે વિસ્તારમાં ખૂબ જ ગિચતા છે. આ વાયરસ હવે હવા મારફતે પણ ફેલાય રહ્યો છે, બની શકે છે કે આસપાસના લોકોનો ચેપ આ સિંહોને લાગ્યો હોય.

તમને જણાવી દઈએ કે, અગાઉ અમેરિકાના ન્યૂયોર્કમાં બ્રોન્ક્સ ઝૂમાં આઠ વાઘ અને સિંહ કોરોના પૉઝિટિવ થયા હોવાના અહેવાલ હતા. જોકે, બાદમાં આવા અન્ય કોઈ અહેવાલો સામે આવ્યા નથી. તે સિવાય, હોંગકોંગમાં કૂતરા અને બિલાડીઓમાં વાયરસ જોવા મળ્યો હતો.

coronavirus covid19 national news hyderabad