લોકસભાની ચૂંટણીઓનો પ્રથમ રાઉન્ડ સમાપ્ત

15 April, 2019 11:50 PM IST  |  | અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી

લોકસભાની ચૂંટણીઓનો પ્રથમ રાઉન્ડ સમાપ્ત

ફાઈલ ફોટો

વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં લોકસભાની ચૂંટણીઓના સાત તબક્કામાંનો પ્રથમ તબક્કો ગયા અઠવાડિયે પૂરો થયો છે. એપ્રિલની ૧૧મીએ ૧૮ રાજ્યો અને બે યુનિયન ટેરિટરી (UT)ઓમાં યોજાયેલશ્વ આ ચૂંટણીઓમાં ૯૧ ઉમેદવારોના ભાવિ પર સીલ લાગી ગયું છે. આ સાથે આઠ રાજ્યો - આંધ્ર પ્રદેશ, તેલંગણા, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરામ, નાગાલૅન્ડ અને સિક્કિમ અને બે UT - આંદામાન અને નિકોબાર અને લક્ષદ્વીપ-માં લોકસભાની ચૂંટણીઓના પડઘા શમી ગયા છે. જે ૯૧ બેઠકોની ચૂંટણી સમાપ્ત થઈ છે તેમાંની ૩૨ બેઠકો બીજેપી પાસે છે અને માત્ર ૭ બેઠકો કૉંગ્રેસ પાસે.

આ ચૂંટણીઓનો સ્કેલ એટલો મોટો છે કે કુલ ૯૦ કરોડ મતદાતાઓમાંથી ૪૩ કરોડથી વધુ સ્ત્રી મતદાતાઓ છે. કેટલાય લોકશાહી દેશોમાં કુલ વસ્તી કે કુલ મતદાતાઓની સંખ્યા પણ ૪૩ કરોડ કરતાં ઓછી છે. ચૂંટણી દરમ્યાન ૧.૧ કરોડ જેટલા સરકારી અધિકારીઓ આઠ લાખથી વધુ મતદાનકેન્દ્રોની વ્યવસ્થા સાંભળશે.

સ્કેલની વાત કરીએ ત્યારે એ વાતની નોંધ લેવી જોઈએ કે આ ચૂંટણીઓ ‘ફિર એક બાર મોદી સરકાર’ના સ્લોગન સાથે મેદાનમાં ઊતરેલા BJP (કે NDA) અને ‘અબ હોગા ન્યાય’ની અરજ સાથે રણસંગ્રામમા ઊતરેલી કૉંગ્રેસ (કે UPA) એવા માત્ર બે રાષ્ટ્રીય પક્ષો વચ્ચેની લડાઈ નથી, પણ નાના-મોટા લગભગ ૨૩૦૦ જેટલા પ્રાદેશિક પક્ષો પોતપોતાનો દાવ અજમાવી રહ્યા છે. અપક્ષ ઉમેદવારો જુદા. આ પક્ષોના સેંકડો ઉમેદવારો અને મોટા ભાગના અપક્ષ ઉમેદવારો પોતાની સિક્યૉરિટી ડિપોઝિટ પણ ગુમાવવાના. તેમ છતાં દર પાંચ વરસે યોજાતી આ કવાયતમાં આ પક્ષો તથા અપક્ષો એટલા જ ઉત્સાહથી ભાગ લે છે એ આપણી ધબકતી લોકશાહીનું પ્રમાણપત્ર છે. આવું વૈવિધ્ય અને આવો ઉત્સાહ જ કદાચ આપણી લોકશાહીનો પ્રાણ છે.

નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી દ્વારા થતો પ્રચાર એની પરાકાષ્ઠાએ છે, તે એટલે સુધી કે ઘણી વાર આચારસંહિતાનો ભંગ થતો હોવાની સામસામી ફરિયાદોને કારણે ચૂંટણીપંચે (EC) કે સુપ્રીમ કોર્ટે દરમ્યાનગીરી કરવી પડે છે. લોકશાહી પરિપક્વ બને તેમ આપણા રાજકીય પક્ષો, ખાસ કરીને રાષ્ટ્રીય પક્ષો, જવાબદારીપૂર્વક વર્તે તો EC દ્વારા જાહેર કરાતી આચારસંહિતામાં રાજકીય પક્ષો પરના અંકુશો ઘટતા જાય, એટલું જ નહીં, ચૂંટણીપંચે દરમ્યાનગીરી કરવાનો વખત પણ ભાગ્યે જ આવે. કમભાગ્યે, બીજી રીતે પરિપક્વ જણાતી આપણી લોકશાહીમાં હજી આમ બનતું નથી.

છેલ્લાં પાંચ વરસમાં પ્રજાના ઘણા વર્ગો - જ્ઞાતિઆધારિત ગ્રુપો, યુવાનો, ધર્મઆધારિત ગ્રુપો અને કિસાનો -માં કડવાશ વધી છે. દરેક વર્ગ પોતપોતાની માગો માટે રાજકીય પક્ષો પાસે ન્યાય માગે છે. ભારતના વિકાસ માટે કયા રાજકીય પક્ષના વિચારો વધુ સારા છે એની ચર્ચા વચ્ચે નાગરિકોને બદલાવ જોઈએ છે, પણ સ્થિરતા સાથેનો. તેમને રાજકીય પક્ષોનો ખડતલ અભિગમ ગમે છે, છતાં આ રાજકારણીઓના અને તેમના પક્ષોના નમþતાભર્યા અને સહકારપૂર્ણ વર્તાવને તેઓ આવકારે છે.

આર્થિક મુશ્કેલીઓ - બેરોજગારી કૃષિક્ષેત્રની સમસ્યાઓ અને કિસાનોનો તનાવ તથા અપૂરતી માળખાકીય સવલતો -નું એકમાત્ર પરિબળ ચૂંટણીમાં નિર્ણાયક સાબિત નહીં થાય. હાલ પૂરતું ૨૫ વરસ નીચેનો યુવાવર્ગ જે આપણી કુલ વસ્તીના ૫૦ ટકા છે તે આપણે માટ ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’ નહીં, પણ ‘ડેમોગ્રાફિક ડિઝાસ્ટર’ સાબિત થઈ રહ્યો છે. તેમ છતાં કેટલીક અન્ય હકીકતો BJPની તરફેણમાં છે. વિરોધ પક્ષો કે એમના મહાગઠબંધન પાસે આ યુવાધન માટે રોજગારીની તકો પૂરી પાડી શકે એવી કોઈ ઠોસ યોજના નથી. ભારતની ચૂંટણીઓ માત્ર આર્થિક પ્રશ્નો કે સમસ્યાઓ પર લડાતી નથી. પક્ષોના એકબીજા સાથેનાં જોડાણ પણ એટલાં જ મહkવનાં છે. BJPએ શિવસેના સહિતના કેટલાય પક્ષો સાથે જોડાણ સાંધી લીધાં છે. કૉંગ્રેસને એમ કરવામાં ધારી સફળતા મળી નથી. ઉપરાંત સંગઠન અને વ્યવસ્થાની દૃષ્ટિએ તથા નાણાકીય મજબૂતાઈની દૃષ્ટિએ બીજો કોઈ પક્ષ BJPની નજદીક નથી.

૨૦૧૮-૧૯માં ઇલેક્ટોરલ બૉન્ડ દ્વારા જે ફંડ ઊભું કરાયું તેનો ૯૫ ટકા જેટલો હિસ્સો BJPને મળ્યો હતો. આ બૉન્ડ સ્કીમની અપારદર્શકતાને કારણે અને એની કાયદેસરતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હોવાથી ચૂંટણીપંચે આ ફંડને કામચલાઉ રીતે માન્યતા ન આપવી જોઈએ. નરેન્દ્ર મોદી જેવા અખૂટ શક્તિ, અદ્ભુત વાક્છટા, વ્યક્તિગત લોકપ્રિયતા અને પ્રભાવી વ્યક્તિત્વવાળા એક પણ નેતા વિરોધ પક્ષ પાસે નથી. પુલવામાના આતંકવાદીના હુમલાએ અને બાલાકોટ પરની સર્જિકલ સ્ટ્રાઇકે મોદીના અને BJPના પ્રભાવમાં થોડો પણ વધારો કર્યો હોય એ સ્વાભાવિક છે.

BJPના પ્લસ પૉઇન્ટને ફોકસ કરવા પ્રમુખપદ્ધતિમાં હોય તેમ પોતાની ચૂંટણીઝુંબેશ વડા પ્રધાનને કેન્દ્રમાં રાખીને કરે છે. કૉંગ્રેસ પણ BJPની નબળાઈઓ કે આર્થિક ક્ષેત્રની નિષ્ફળતાઓને ચૂંટણીનો મુદ્દો બનાવવાને બદલે ફ્રાન્સ પાસેથી રફાલ ઍરક્રાફ્ટની ખરીદીના વિવાદાસ્પદ સોદામાં થયેલા સંભવિત ભ્રક્ટાચારને મુદ્દે BJPની નાલેશી કરવામાં વ્યસ્ત હતી. છેલ્લા થોડા સમયથી કૉંગ્રેસે તેની પ્રચારપદ્ધતિમાં થોડો ફેરફાર કર્યો હોવાની પ્રતીતિ થાય છે. હવે તે ઇન્કમ સ્પોર્ટ સ્કીમ જેવા આર્થિક ઇશ્યુના આધારે પોતાની તાકાત પુરવાર કરવાનો પ્રયત્ન કરે છે. જોકે કૉંગ્રેસની ન્યુનતમ આય યોજના (ફ્Yખ્Y)નું ગણિત ગળે ઊતરે તેવું નથી. એટલે તેના અમલની ક્ષમતા વિશે અનેક પ્રfનો ઊભા કરાય તે સ્વાભાવિક છે.

આ અને આવાં અન્ય કારણોને લીધે BJP અને તેના સાથી પક્ષો ચૂંટણી જીતી જાય તેવી છાપ ઊભી થાય છે. તેમ છતાં ઓપિનિયન પોલનાં તારણો BJPને સ્પષ્ટ બહુમતી ન મળે અને તેને સરકાર રચવા માટે પણ સાથી પક્ષોની ગરજ પડે એવો સંકેત કરે છે. છેલ્લાં ૭૦ વરસની ચૂંટણીઓનો અનુભવ એમ દર્શાવે છે કે ચૂંટણીઓના અનઅપેક્ષિત અને ઓપિનિયન પોલથી વિપરીત પરિણામોની સંભાવના નકારી શકાય તેમ નથી.

ચૂંટણીઓમાં ‘ઍન્ટિ-ઇન્કમબન્સી’ ફૅક્ટર પણ કામ કરે છે, એટલે કે જે પક્ષ કે પક્ષનું જૂથ સત્તામાં હોય એની વિરુદ્ધમાં મત આપવો. સત્તામાં રહેલા પક્ષ માટે આ એક પડકાર છે.

૧૯૮૦થી ૨૦૧૪ સુધીની છેલ્લી ૧૦ સામાન્ય ચૂંટણીઓનાં મતદારક્ષેત્રના સ્તરના મતદાતાઓના આંકડાઓને આધારે રાજકીય જોડાણો અને ‘ઍન્ટિ-ઇન્કમબન્સી’ જેવાં પરિબળો ચૂંટણીનાં પરિણામોને કેવી અસર કરે છે તેની વિગતો તાજેતરના એક સંશોધનાત્મક અભ્યાસમાં પ્રસિદ્ધ કરાઈ છે. આ અભ્યાસના તારણ પ્રમાણે રાષ્ટ્રીય સરેરાશની સરખામણીમા જે રાજ્યની માથાદીઠ આવક ઓછી હોય, સાક્ષરતા (અક્ષરજ્ઞાન)નું પ્રમાણ ઓછું હોય અને કુલ વસ્તીમાં ગ્રામીણ વસ્તીનુ પ્રમાણ વધુ હોય તે રાજ્યોમાં શાસક પક્ષની વિરુદ્ધમાં મતદાન કરવાનું મજબૂત વલણ જોવા મળે છે. જોકે દક્ષિણના, દરિયાકિનારાના (તટવર્તીય) અને બિનહિન્દીભાષી રાજ્યોમાં ચૂંટણીઓનાં પરિણામો શાસક પક્ષની તરફેણમા જતાં જોવા મળે છે. સામાન્ય અવલોકન એવું છે કે ૧૯૯૮માં પહેલાં યોજાતી ચૂંટણીઓમાં શાસક પક્ષને જબ્બર ફાયદો થતો હતો. એ સમયે અજેય ગણાતી કૉંગ્રેસના પ્રતિસ્પર્ધી તરીકે ૧૯૯૮મા BJPનો ઉદય થયો, ત્યાર બાદ શાસક પક્ષની વિરુદ્ધમાં ચૂંટણીઓનાં પરિણામો જવાની ઘટના પ્રસ્થાપિત થઈ અને સામાન્ય બનતી ગઈ.

જે શાસક પક્ષ અગાઉની ચૂંટણીઓ સાંકડી બહુમતીએ જીત્યો હોય તેના માટે સત્તા ગુમાવવાની શક્યતા વધુ એ પણ આ અભ્યાસનું તારણ છે. BJP સાથે જોડાયેલા રાજકીય પક્ષોને સત્તામાં હોવાનો વધુ ફાયદો થઈ શકે, જ્યારે કૉંગ્રેસ સાથે જોડાયેલા રાજકીય પક્ષોને તેઓને જ્યાં સત્તા પર હોય ત્યાં પણ સત્તા પર હોવાનો ખાસ લાભ નહીં મળે.

ચૂંટણી કમિશનરનો રોલ ક્રિકેટની રમતમાં ફિયર ઓર ફેવર’ સિવાય નિષ્પક્ષ કે તટસ્થ ચુકાદો આપવા જેવો છે. પોતાની સત્તાનો સાચી રીતે ઉપયોગ કરી ચૂંટણી કમિશનરે 'PM નરેન્દ્ર મોદી’ નામની રાજકીય પ્રચાર સ્વરૂપની હિન્દી ફિલ્મની રિલીઝને હાલપૂરતી અટકાવીને પોતાની ફરજ બજાવી છે. નાની-મોટી ફરિયાદોનો પણ સ્વતંત્ર રીતે ન્યાયપૂર્વક નિકાલ કરીને ચૂંટણી કમિશન જેવી બંધારણીય સંસ્થાની શાખ અકબંધ રાખી છે. આવકવેરા દ્વારા તામિલનાડ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં વિરોધ પક્ષો પર દરોડા પડાયા છે. ચૂંટણીઓમાં દરેક રાજકીય પક્ષો નાના-મોટા પ્રમાણમા ‘અનઅકાઉન્ટેડ મની’નો ઉપયોગ કરે છે. EC દ્વારા બધા રાજકીય પક્ષોની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. બંધારણ હેઠળ મળેલી સત્તાનો દેશના વિશાળ હિતમાં ઉપયોગ કરીને ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર ટી. એન. સેશને ચ્ઘ્ની જે શાખ ઊભી કરી છે તેને વર્તમાન ચૂંટણી કમિશનર સુનીલ અરોરા અકબંધ રાખશે એવી જે છાપ ઊભી થઈ છે તે અને એ દિશાનાં પગલાંઓ લોકશાહીને જીવંત અને ધબકતી રાખવા માટે અનિવાર્ય છે. હવે પછીના રાઉન્ડમાં મુક્ત અને નિર્ભયપણે પોતાની સમજ અને કોઠાસૂઝ પ્રમાણે મોટી સંખ્યામાં મતદાન કરીને સામાન્ય નાગરિક પણ લોકશાહીને જીવંત રાખવામાં પોતાનો હિસ્સો આપશે એવી આશા અસ્થાને નથી.

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Lok Sabha Election 2019 news