PM વિડિયો-કૉન્ફરન્સથી પશ્ચિમ બંગાળની જનતા સાથે દુર્ગાપૂજામાં જોડાયા

23 October, 2020 12:40 PM IST  |  New Delhi | Agency

PM વિડિયો-કૉન્ફરન્સથી પશ્ચિમ બંગાળની જનતા સાથે દુર્ગાપૂજામાં જોડાયા

પીએમ નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા પશ્ચિમ બંગાળની જનતા સાથે દુર્ગાપૂજામાં જોડાયા હતા, જ્યાં મહિલાઓએ શંખ વગાડીને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. આસનસોલના બીજેપીના સંસદસભ્ય બાબુલ સુપ્રિયોએ પણ રવીન્દ્ર સંગીતનું ગીત સંભળાવ્યું હતું. બંગાળનો સૌથી મોટો ઉત્સવ દુર્ગાપૂજા ગઈ કાલથી શરૂ થઈ ગયો છે. આ પ્રસંગે મોદીએ ત્યાંના લોકોને પૂજા શુભેચ્છાઓ આપી હતી. વડા પ્રધાને અહીં નારીશક્તિના મહિમાના ગુણગાન ગાયા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મને લાગે છે કે હું બંગાળમાં જ છું. બંગાળની ધરતીને નમન. દુર્ગાપૂજાનું પર્વ એકતાનું પર્વ છે. સમગ્ર દેશ બંગાળમય થાય. બંગાળની ધરતી સાથે જોડાયેલા તમામ મહાપુરુષોને યાદ કર્યા હતા અને તેને નમન કર્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે આ કાર્યક્રમને સંબોધિત કર્યું છે. પીએમે પોતાના સંબોધનની શરૂઆત બંગાળી ભાષામાં કરી છે. પીએમે કહ્યું કે આત્મનિર્ભર ભારતના જે અભિયાન પર આપણે આગળ વધી રહ્યા છીએ એમાં પણ નારીશક્તિની ખૂબ મોટી ભૂમિકા છે. બંગાળની ધરતીથી નીકળેલા લોકોએ શસ્ત્ર અને શાસ્ત્રોમાં ભારતની સેવા કરી છે. પીએમ મોદીએ કોરોનાથી લોકોને સાવધાની દાખવવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે કોરોના મહામારી વચ્ચે પણ આપણે દુર્ગાપૂજા મનાવી રહ્યા છીએ. આયોજન ભલે મર્યાદિત રહ્યા હોય, પણ ઉલ્લાસ અમર્યાદિત છે. મારો આપ સૌને એક જ આગ્રહ છે કે માં દુર્ગાની પૂજાની સાથોસાથ દો ગજ કી દૂરી, માસ્ક પહેરવા અને તમામ નિયમોનું ફરજિયાત રીતે પાલન કરો.

narendra modi national news west bengal durga puja