બરફ પડવાના કારણે જોશીમઠના રાહત કૅમ્પ્સમાં લોકોની મુશ્કેલી વધી

21 January, 2023 09:57 AM IST  |  Joshimath | Gujarati Mid-day Correspondent

કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ બરફ પડવાના કારણે રસ્તાઓ થયા બંધ

જોશીમઠમાં ગઈ કાલે ભારે બરફ પડવાના કારણે રોડ પર અનેક વાહનો ફસાઈ ગયાં હતાં. તસવીર: પી.ટી.આઇ.

દેહરાદૂન : ઉત્તરાખંડની અનેક જગ્યાઓએ ગઈ કાલે બરફ અને વરસાદ પડતાં ઠંડી વધી ગઈ હતી. સાથે જ જમીનમાં ધસી રહેલા જોશીમઠમાં ટેમ્પરરી રાહત કૅમ્પોમાં રહેતા લોકોની મુશ્કેલીઓ પણ વધી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ ૬૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા જોશીમઠ સિવાય બદરીનાથ, સ્કિઇંગ ડેસ્ટિનેશન ઔલી, કેદારનાથ, હેમકુંડ સાહિબ, નંદા દેવી નૅશનલ પાર્ક સહિત ચમોલી અને રુદ્રપ્રયાગ જિલ્લાઓમાં અનેક ઊંચાણવાળી જગ્યાઓએ પણ બરફ પડ્યો હતો.

દેહરાદૂનમાં પણ ગઈ કાલે સવારે ઝરમર વરસાદ પડ્યો હતો, જ્યારે પૉપ્યુલર ટૂરિસ્ટ સ્પૉટ મસૂરીમાં ગઈ કાલે આ સીઝનનો પહેલો બરફ પડ્યો હતો. કાશ્મીરમાં પણ ગઈ કાલે બરફ પડ્યો હતો, જેના લીધે શ્રીનગર-જમ્મુ નૅશનલ હાઇવે બંધ થઈ ગયો હતો અને કાશ્મીરમાં આવતી અને જતી ફ્લાઇટ્સને અસર થઈ હતી. હિમાચલ પ્રદેશના ઊંચાણવાળા વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ બરફ પડ્યો હતો અને સાથે જ સમગ્ર રાજ્યમાં વરસાદ પડ્યો હતો, જેના લીધે રાજ્યમાં ૨૭૮ રોડ બંધ થઈ ગયા હતા. જાલોરી જોટ અને રોહતંગ પાસમાં અનુક્રમે ૬૦ અને ૪૫ સેન્ટિમીટર બરફ પડ્યો હતો. 

national news uttarakhand