દવાનું આધાર કાર્ડઃ મેડિસિન્સ પર બારકોડને પ્રમોટ કરવા માટે કેન્દ્ર સરકારનું પ્રિસ્ક્રિપ્શન

04 December, 2022 10:19 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

સરકાર મેડિસિન્સની ટૉપ-સેલિંગ બ્રૅન્ડ્સ પર ફરજિયાત ક્યુઆર કોડ કે બારકોડના નિયમનો પ્રચાર કરશે, ફાર્મા સહી દામ અને ફાર્માકોવિજિલન્સ જેવી પહેલ પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હી : નરેન્દ્ર મોદી સરકાર મેડિસિન્સની ટૉપ-સેલિંગ બ્રૅન્ડ્સ પર ફરજિયાત ક્યુઆર કોડ કે બારકોડના નિયમનો પ્રચાર કરવા ઇચ્છે છે. જેનો કેન્દ્ર સરકાર ‘દવા કા આધાર કાર્ડ’ તરીકે પ્રચાર કરવા પ્લાનિંગ કરવા જઈ રહી છે.   
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ટોચની ૩૦૦ બ્રૅન્ડ્સની મેડિસિન્સ પર બારકોડ ફરજિયાત કરવા માટે એમને શેડ્યુલ H2માં સામેલ કરી છે. એની પાછળનો હેતુ મૅન્યુફૅક્ચરિંગ અને સપ્લાય ચેઇન દ્વારા આ મેડિસિન્સનો સોર્સ જાણી શકાય અને ઑથેન્ટિસિટી સુનિશ્ચિત કરી શકાય. આ નિયમ આવતા વર્ષે પહેલી ઑગસ્ટથી લાગુ થશે. એક રિપોર્ટ અનુસાર આ પહેલને મેડિસિન્સ માટેના આધાર કાર્ડનું લેબલ આપવામાં આવશે.
આ રિપોર્ટમાં વધુ જણાવાયું છે કે આ ક્યુઆર કોડમાં યુનિક પ્રોડક્ટ આઇડેન્ટિફિકેશન કોડ, દવાનું જેનેરિક નામ, બ્રૅન્ડ નેમ, મૅન્યુફૅક્ચરરનું નામ અને સરનામું, બૅચ નંબર, મૅન્યુફૅક્ચરિંગની તારીખ, એક્સપાયરી ડેટ અને મૅન્યુફૅક્ચરિંગ લાઇસન્સ નંબર સહિતની મેડિસિન્સની તમામ માહિતી હશે.
કેન્દ્ર સરકાર અન્ય બે યોજના-ફાર્મા સહી દામ (દવાઓની વધારે કિંમતોની ફરિયાદ કરવા) અને ફાર્માકોવિજિલન્સ (દવાઓની સાઇડ ઇફેક્ટ્સ જણાવવા)ની સાથે સમગ્ર ભારતમાં કેમિસ્ટ આઉટલેટ્સ ખાતે આ પહેલને પ્રમોટ કરવા ઇચ્છે છે. સરકાર આ યોજનાઓથી કન્ઝ્યુમર્સમાં અવેરનેસ લાવશે.
સરકારમાંથી સોર્સિસે જણાવ્યું હતું કે અમે સમગ્ર ભારતમાં તમામ રીટેલ કેમિસ્ટ આઉટલેટ્સ ખાતે વિગતો સાથે આ હોર્ડિંગ્ઝ અને બૅનર્સ ફરજિયાત મૂકવાનો નિયમ લાગુ કરવા જઈ રહ્યા છીએ. ઍલેગ્રા, ડોલો, ઑગમેન્ટિન, સૅરિડોન, કાલ્પૉલ અને થાયરોનૉર્મ જેવી ઇન્ડિયન ફાર્મા માર્કેટમાં ટૉપ-સેલિંગ પૉપ્યુલર મેડિસિન્સ સહિતની ૩૦૦ બ્રૅન્ડ્સ બારકોડ ધરાવતાં નવા પૅકેજિસ સાથે પ્રોડક્ટ્સ માર્કેટમાં લાવશે.

national news narendra modi