રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે દ્રૌપદી મુર્મુએ નોંધાવી ઉમેદવારી, PM મોદીએ આપી હાજરી

24 June, 2022 03:15 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

દ્રૌપદી મુર્મુના નોમિનેશન દરમિયાન ભાજપ સહિત સમગ્ર એનડીએ એકજૂટ દેખાયું હતું

તસવીર સૌજન્ય: પીટીઆઈ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ આજે ​​રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન પીએમ મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ સહિત ભાજપના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા. દ્રૌપદી મુર્મુના નોમિનેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રસ્તાવકની ભૂમિકા ભજવી હતી અને રાજનાથ સિંહે સમર્થકની ભૂમિકા ભજવી હતી.

દ્રૌપદી મુર્મુના નોમિનેશન દરમિયાન ભાજપ સહિત સમગ્ર એનડીએ એકજૂટ દેખાયું હતું. આ પ્રસંગે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો પણ દ્રૌપદી મુર્મુના નામાંકનમાં ભાગ લેવા પહોંચ્યા હતા. બીજેડીના વડા નવીન પટનાયક અને આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીએ દ્રૌપદી મુર્મુને સમર્થન જાહેર કર્યું છે. આ પછી દ્રૌપદી મુર્મુનું રાષ્ટ્રપતિ બનવું લગભગ નિશ્ચિત છે.

દેશના આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈએ થવાની છે, પરંતુ જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા દેશના ટોચના બંધારણીય પદ માટેની ચૂંટણીમાં ભાગ લઈ શકશે નહીં. કારણ કે વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધી જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની રચના થઈ નથી.

તમને જણાવી દઈએ કે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ માટે વિધાનસભાની જોગવાઈ કરે છે, પરંતુ કેટલાક કારણોસર ત્યાં ચૂંટણી થઈ શકી નથી. જો કે, જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પાંચ લોકસભા સભ્યો, જેમાં ફારુક અબ્દુલ્લા, હસનૈન મસૂદી, અકબર લોન, જુગલ કિશોર શર્મા અને જિતેન્દ્ર સિંહ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરશે.

ઉલ્લેખનીય છે કે દેશના આગામી રાષ્ટ્રપતિ માટે 18 જુલાઈના રોજ મતદાન થશે. ભાજપે ઓરિસાની એક આદિવાસી મહિલા અને ઝારખંડના પૂર્વ ગવર્નર દ્રૌપદી મુર્મુને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે વિપક્ષે ભાજપના પૂર્વ નેતા યશવંત સિંહા પર દાવ લગાવ્યો છે.

national news narendra modi