રામજન્મભૂમિ આંદોલનની શરૂઆત ગોરખનાથ મંદિરથી થયેલી

10 November, 2019 12:00 PM IST  |  New Delhi

રામજન્મભૂમિ આંદોલનની શરૂઆત ગોરખનાથ મંદિરથી થયેલી

મહંત દિગ્વિજયનાથ, ગૌરખનાખ મંદિર

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદના વિવાદાસ્પદ ઢાંચાનો ગઈ કાલે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. અયોધ્યા વિવાદની પૂરી ટાઇમલાઇન પર નજર નાખીએ તો જાણવા મળે છે કે રામજન્મભૂમિ મામલામાં જ્યારે પણ કોઈ મહત્ત્વની ઘટના બની હતી ત્યારે એનો સંબંધ ઉત્તર પ્રદેશમાં આવેલા ગોરખનાથ મંદિર સાથે જોડાયેલો રહ્યો છે. એટલું જ નહીં, રામજન્મભૂમિ આંદોલનની શરૂઆત જ આ મંદિરેથી થઈ હતી. આ મંદિરના મઠની ત્રણ પેઢી રામમંદિર આંદોલન સાથે જોડાયેલી છે. આ મઠના મહંત અત્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ છે જેમણે આ દિવાળીએ એકસાથે લાખો દીવા પ્રગટાવવાનો વિશ્વ રેકૉર્ડ બનાવ્યો હતો.

ગોરખનાથ મઠથી આંદોલન શરૂ થયેલું
અયોધ્યામાં રામજન્મભૂમિ આંદોલનની શરૂઆત ગોરખનાથ મઠના મંદિરેથી થઈ હતી અને લાંબા સમય સુધી આ મંદિર આંદોલનનું કેન્દ્ર રહ્યું હતું. મઠના મહંત દિગ્વિજયનાથનું આ આંદોલનમાં વિશેષ યોગદાન હતું. દિગ્વિજયનાથના અવસાન બાદ તેમના શિષ્ય મહંત અવૈદ્યનાથે આંદોલનને આગળ વધાર્યું હતું.


રામલલાનું પ્રગટીકરણ અને મહંત દિગ્વિજયનાથ
રામજન્મભૂમિની સૌથી મહત્ત્વની ઘટના ૨૩ ડિસેમ્બર ૧૯૪૯ની સવારે બની હતી, જ્યારે બાબરી મસ્જિદના ઢાંચાના મુખ્ય ગુંબજની નીચેની રૂમમાં રામલલાની મૂર્તિ પ્રગટ થઈ હતી. આ મૂર્તિઓ રામ ચબુતરાથી ઉઠાવીને મસ્જિદના ઢાંચાની અંદર રખાઈ હતી. એ સમયે ગોરખનાથ મંદિરના તત્કાલીન મહંત દિગ્વિજયનાથ કેટલાક સાધુ-સંતો સાથે કીર્તન કરતા જોવા મળ્યા હતા.


મંદિરનાં તાળાં ખોલાયાં ત્યારે મહંત અવૈદ્યનાથ હાજર હતા
૨૯ ડિસેમ્બર ૧૯૪૯ના રોજ વિવાદિત જમીન પર કોર્ટના આદેશથી તાળાં લગાવી દેવાયાં હતાં અને સ્ટ્રક્ચર એક રિસિવરને સોંપી દેવાયું હતું જેને રામલલાની પૂજાની જવાબદારી અપાઈ હતી. વિવાદમાં એ બાદની મહત્ત્વની ઘટના ૧૯૮૬માં બની હતી, જ્યારે એક સ્થાનિક વકીલ અને પત્રકાર ઉમેશચંદ્ર પાંડેયની અપીલ પર ફૈજાબાદના તત્કાલિન જજે ૧ ફેબ્રુઆરી ૧૯૮૬ના રોજ વિવાદિત પરિસરનાં તાળાં ખોલવાનો આદેશ આપ્યો હતો. આ સમયે ગોરખનાથ મંદિરના તત્કાલીન મહંત અવૈદ્યનાથ ત્યાં હાજર હતા.

આ પણ વાંચો : તમને ખબર છે, રામમંદિર બનાવવા માટે પગથી માપ લેવાયું હતું

સુપ્રીમ કોર્ટનો ચુકાદો અને યોગી આદિત્યનાથ
સુપ્રીમ કોર્ટે ગઈ કાલે અયોધ્યા વિવાદનો ઐતિહાસિક ચુકાદો આપીને વિવાદિત જમીન રામલલાને સોંપવાનો આદેશ આપ્યો ત્યારે ગોરખનાથ મંદિરના અત્યારના મહંત યોગી આદિત્યનાથ આ રાજ્યના મુખ્ય પ્રધાન છે. તેઓ પણ ગુરુઓની જેમ મંદિર આંદોલન બાબતે બહુ સક્રિય રહ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા બાદ પણ તેમનું ફોકસ અયોધ્યા પર સતત રહ્યું છે. પરિણામસ્વરૂપ હમણાં દિવાળીમાં જ અયોધ્યામાં તમામ યોજનાઓની સાથે-સાથે દીપ પ્રગટાવવાનો વિશ્વ રેકૉર્ડ પણ બનાવ્યો સાથે તેમણે સરયૂ ઘાટ પર ભગવાન રામની ભવ્ય મૂતિ બનાવવાના પ્રોજેક્ટની શરૂઆત પણ કરી.

national news ayodhya ayodhya verdict