માલેગાંવ આતંકવાદ કેસના સાધ્વી પ્રજ્ઞાની સંરક્ષણ સમિતિમાં નિમણૂકથી વિવાદ

22 November, 2019 12:37 PM IST  |  New Delhi

માલેગાંવ આતંકવાદ કેસના સાધ્વી પ્રજ્ઞાની સંરક્ષણ સમિતિમાં નિમણૂકથી વિવાદ

સંસદસભ્ય સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર

(જી.એન.એસ.) બીજેપીનાં ભોપાલથી ચૂંટાયેલાં સંસદસભ્ય સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને મહત્ત્વની ગણાતી કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિમાં સ્થાન મળ્યું છે. મોદી સરકારે તેમની નિમણૂક કરી છે. સમિતિના અધ્યક્ષ તરીકે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ છે. સંરક્ષણ મામલે નિર્ણય લેનારી અને ભલામણ કરનારી આ સમિતિમાં કુલ ૨૧ સભ્યો છે. સાધ્વી પ્રજ્ઞાસિંહે લોકસભાની ચૂંટણીમાં મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉન્ગ્રેસના નેતા દિગ્વિજય સિંહને પરાજિત કર્યા હતા. સાધ્વી પ્રજ્ઞાસિંહ માલેગાંવ બૉમ્બ ધડાકા કેસમાં આરોપી છે અને હાલમાં કોર્ટ દ્વારા જામીન પર બહાર છે. તેમની નિમણૂક સામે વિપક્ષ કૉન્ગ્રેસે ભારે વિરોધ નોંધાવીને તેને ભારતીય સેનાનું ઘોર અપમાન ગણાવ્યું હતું.

કૉન્ગ્રેસે ટ્વીટ કરીને સાધ્વી પ્રજ્ઞાસિંહને સંરક્ષણ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિમાં સામેલ કરવા પર કડક પ્રતિક્રિયા આપતાં કહ્યું કે આખરે મોદીજીએ પ્રજ્ઞાસિંહ ઠાકુરને દિલથી માફ કરી દીધા છે. કૉન્ગ્રેસે કહ્યું છે કે આતંકવાદી હુમલા કેસના આરોપીને સંરક્ષણ મંત્રાલયની સમિતિમાં સ્થાન આપવું એ ભારતના બહાદુર સૈનિકોનું અપમાન છે કે જે આતંકવાદીઓથી દેશનું રક્ષણ કરે છે.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

અજમેર દરગાહ બૉમ્બ ધડાકો કેસ તથા અન્ય કેસોમાં તેમનાં નામો બહાર આવ્યાં હતાં. જોકે તપાસ એજન્સી એનએઆઇ તેમની સામે કોઈ પુરાવા આપી શકી નથી. તેમની સામે હાલમાં માલેગાંવ બૉમ્બ બ્લાસ્ટ કેસ ચાલી રહ્યો છે. ઑક્ટોબર ૨૦૦૭માં અજમેરના ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર બૉમ્બ બ્લાસ્ટ થયો હતો. આ બૉમ્બ બ્લાસ્ટમાં સાધ્વી પ્રજ્ઞાનું નામ બહાર આવ્યું હતું. આ કેસની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)ને સુપરત કરવામાં આવી હતી. એપ્રિલ ૨૦૧૭માં એનઆઇએ દ્વારા ઠાકુર અને અન્ય લોકોને ક્લીન ચીટ આપી હતી.

national news