નવમી બેઠક પહેલાં ટ્રૅક્ટર-યાત્રા દ્વારા અન્નદાતાનું શક્તિપ્રદર્શન

08 January, 2021 12:34 PM IST  |  New Delhi | Agencies

નવમી બેઠક પહેલાં ટ્રૅક્ટર-યાત્રા દ્વારા અન્નદાતાનું શક્તિપ્રદર્શન

ટ્રેકટર પર સવાર થઈને દિલ્હીના ટીકરી બોર્ડર તરફ જઈ રહેલો ખેડૂતો. તસવીર : પી.ટી.આઈ.

નવી દિલ્હી ઃ (જી.એન.એસ.) કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલનનો ગઈ કાલે ૪૩મો દિવસ હતો. ખેડૂતોએ દિલ્હીની ચારેબાજુ ટ્રૅક્ટર માર્ચ શરૂ કરી દીધી છે, જેના ભાગરૂપે સિંધુ બૉર્ડર પર મોટી સંખ્યામાં પોલીસદળને તહેનાત કરવામાં આવ્યું છે. માર્ચ સિંધુ બૉર્ડરથી ટિકરી, ટિકરીથી શાહજહાંપુર, ગાજીપુરથી પલવલ અને પલવલથી ગાજીપુર સુધી કાઢવામાં આવી હતી. ગાઝિયાબાદના એડીએમ શૈલેન્દ્ર કુમાર સિંહે કહ્યું કે ખેડૂતોની માર્ચને ધ્યાનમાં રાખતાં પૂરતી પોલીસ તહેનાત કરાઈ છે, વીડિયો રેકૉર્ડિંગ પણ કરાઈ રહ્યું છે. ભારતીય ખેડૂત યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે ‘ટ્રૅક્ટર રૅલી ૨૬ જાન્યુઆરીની તૈયારી છે. અમારો રૂટ અહીંથી ડાસના છે, ત્યાર પછી અલીગઢ રોડ પર અમે થોભશું ત્યાં લંગર થશે, પછી અમે ત્યાંથી પાછા આવીશું અને નોએડા વાળા ટ્રૅક્ટર પલવલ સુધી જશું. અમે સરકારને સમજાવવા માટે જ આવું કરી રહ્યા છીએ.’
ખેડૂતોનું કહેવું છે કે સરકાર માગણી નહીં સ્વીકારે તો ૨૬ જાન્યુઆરીએ પણ ટ્રૅક્ટર પરેડ યોજાશે. આજની માર્ચ એનું જ ટ્રેલર હતુ. હરિયાણાનાં ખેડૂત સંગઠનોએ દરેક ગામમાંથી ૧૦ મહિલાને ૨૬ જાન્યુઆરી માટે દિલ્હી બોલાવી છે. આ જ અપીલ યુપીના ખેડૂતોની છે. ગણતંત્ર દિવસ પર ટ્રૅક્ટર માર્ચનું નેતૃત્વ મહિલાઓ જ કરશે. હરિયાણાની લગભગ ૨૫૦ મહિલા ટ્રૅક્ટર ચલાવવાની ટ્રેઇનિંગ લઈ રહી છે. ખેડૂતો અને સરકાર વચ્ચે ૪ જાન્યુઆરીએ યોજાયેલી મીટિંગનું કોઈ પરિણામ નહોતું આવ્યું અને એના માટે હવે પછીની તારીખ ૮ જાન્યુઆરી નક્કી થઈ હતી.

new delhi national news