09 October, 2026 11:38 AM IST | Vrindavan | Gujarati Mid-day Correspondent
પ્રેમાનંદ મહારાજ
વૃંદાવનમાં શ્રી રાધા કેલી કુંજ આશ્રમના પચીસ વર્ષના શિષ્ય દીપક લોધી ઉર્ફે રસિક દુલારી શરણના મોત બાદ સોમવારે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટના અધ્યક્ષ આશુતોષ બ્રહ્મચારીએ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ (DM)ને પત્ર લખીને નિષ્પક્ષ તપાસની માગણી કરી હતી. આ પત્રમાં મુખ્ય માગણી સંત પ્રેમાનંદની કિડનીની સરકારી હૉસ્પિટલમાં તપાસ કરાવવા વિશેની છે.
આશુતોષ બ્રહ્મચારીએ જુલાઈ ૨૦૨૪માં પણ પત્ર લખીને સંત પ્રેમાનંદની કિડની ખરાબ હોવાના દાવા વિશે સરકારી ડૉક્ટર પાસે તપાસ કરાવીને રિપોર્ટ સાર્વજનિક કરવાની માગણી કરી હતી. આ ઉપરાંત તેમણે આશ્રમની કરોડોની સંપત્તિ, વાહનો અને જાહેર જગ્યા પર કરેલા દબાણ વિશે અગાઉ કરેલી ફરિયાદને હાલના ઘટનાક્રમ સાથે તપાસવા જણાવ્યું છે. દીપકના મોતના કેસમાં પોસ્ટમૉર્ટમ, ફૉરેન્સિક, ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અને મોબાઇલ ડેટાની એક્સપર્ટ તપાસની માગણી પણ થઈ છે. આશ્રમ સાથે જોડાયેલા અગાઉના વિવાદો, ઉત્પીડન અને ધમકીઓની પણ નિષ્પક્ષ તપાસ થવી જરૂરી હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું છે.
જો પ્રેમાનંદ મહારાજ પોતે કહી દે કે વિરાટ કોહલી પહેલી વાર પૈસા લઈને નહોતો આવ્યો તો તેમનાં ચરણોમાં બેસીને માફી માગીશ : ફલાહારી બાબા
વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજ અને ક્રિકેટર વિરાટ કોહલી વિશે નિવેદન આપીને વિવાદમાં આવેલા શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટના પ્રમુખ ફલાહારી બાબાએ હવે નવો દાવો કર્યો હતો. અગાઉ તેમણે દાવો કર્યો હતો કે વિરાટ કોહલીને પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં લાવવા માટે પાંચ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ દાવાને વિરાટ કોહલીની ટીમ દ્વારા સદંતર ફગાવી દેવામાં આવ્યા બાદ હવે ફલાહારી બાબાનો નવો વિડિયો સામે આવ્યો છે.
નવા વિડિયોમાં ફલાહારી બાબા એવું કહેતાં નજરે પડે છે કે પ્રેમાનંદ મહારાજ ક્યારેય જૂઠું બોલતા નથી. જો પ્રેમાનંદ મહારાજ ખુદ જાહેરમાં એવું કહી દેશે કે વિરાટ કોહલી પહેલી વાર પૈસા લઈને આશ્રમમાં આવ્યો નહોતો તો ફલાહારી બાબાએ તેમનાં ચરણોમાં બેસીને માફી માગવાની તૈયારી દર્શાવી હતી.
જોકે અગાઉ વિરાટ કોહલીની ટીમે સ્પષ્ટ કર્યું હતું કે વિરાટ અને અનુષ્કા શર્મા સંપૂર્ણ શ્રદ્ધાભાવથી મહારાજનાં દર્શને આવે છે. બીજી તરફ ફલાહારી બાબા એવું પણ કહી રહ્યા છે કે હાલ વિરાટ કોહલી ભક્ત બનીને સાધુઓની સેવા કરે છે, પરંતુ તેઓ પહેલી વાર આવ્યા ત્યારે રકમ આપવામાં આવી હતી. આ નિવેદનને કારણે ધાર્મિક અને ક્રિકેટજગતમાં ભારે ચર્ચા જાગી છે.