કોરોનાકાળમાં વધી આયુર્વેદનાં ઉત્પાદનોની માગ : મોદી

14 November, 2020 11:11 AM IST  |  New Delhi | Agency

કોરોનાકાળમાં વધી આયુર્વેદનાં ઉત્પાદનોની માગ : મોદી

નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ભારતમાં પરંપરાગત ઔષધોનું વૈશ્વિક કેન્દ્ર (ગ્લોબલ સેન્ટર ઑન ટ્રેડિશનલ મેડિસિન) પ્રસ્થાપિત કરશે.

વડા પ્રધાને પાંચમા આયુર્વેદ દિવસના ઉપક્રમે જામનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટિચિંગ અૅન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ અને જયપુર સ્થિત નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદના ઉદ્ઘાટન પ્રસંગે વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વક્તવ્ય આપ્યું હતું.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પરંપરાગત ઔષધો અંગેનું સંશોધન સુદૃઢ કરવા માટે ભારતમાં હૂ ગ્લોબલ સેન્ટર ઑન ટ્રેડિશનલ મેડિસિન પ્રસ્થાપિત કરી રહ્યું છે. આયુર્વેદ ભારતનો વારસો છે, જે સમગ્ર માનવજાતનું ભલું ઇચ્છે છે. કોરોનાકાળની વાત કરતાં એમણે કહ્યું કે જ્યારે આનાથી બચવાનો કોઈ પ્રભાવશાળી ઉપાય નહોતો ત્યારે દેશનાં ઘર-ઘરમાં હળદી, કાઢો અને દૂધ જેવી વસ્તુઓનો રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગ થતો હતો. આ જ સમયગાળામાં આયુર્વેદનાં ઉત્પાદનોની માગ ઘણી વધી હતી.

સાથે જ તેમણે જણાવ્યું હતું કે આ વખતે આયુર્વેદ દિવસ ગુજરાત, રાજસ્થાન માટે અને સાથે જ યુવાનો માટે ખાસ મહત્વપૂર્ણ છે.

જામનગરમાં આજે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટિચિંગ અૅન્ડ રીસર્ચ ઇન આયુર્વેદના ઉદ્ઘાટન સાથે જામનગરને રાષ્ટ્રીય મહત્ત્વ સાંપડ્યું છે. જ્યારે જયપુરમાં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ ડિમ્ડ યુનિવર્સિટી તરીકે સમર્પિત કરવામાં આવી છે, તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું.

આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે દેશમાં આયુર્વેદની પ્રિમિયર ઇન્સ્ટિટ્યૂશન્સ છે.

narendra modi new delhi coronavirus covid19 health tips