23 July, 2025 07:41 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ડૉ. સુનીલ જાગલાન દ્વારા ૧૧ વર્ષના લાંબા સમયગાળામાં કરવામાં આવેલા ‘ગાલી બંદ ઘર’ નામના અભિયાન હેઠળ કરેલા સર્વેમાં જાણવા મળ્યું હતું
મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીના પ્રોફેસર અને સેલ્ફી વિથ ડૉટર ફાઉન્ડેશનના સ્થાપક ડૉ. સુનીલ જાગલાન દ્વારા ૧૧ વર્ષના લાંબા સમયગાળામાં કરવામાં આવેલા ‘ગાલી બંદ ઘર’ નામના અભિયાન હેઠળ કરેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે અપશબ્દો બોલવામાં દેશમાં દિલ્હી ૮૦ ટકા સ્કોર સાથે પહેલા ક્રમાંકે છે. ૭૮ ટકા સાથે પંજાબ બીજા ક્રમાંકે, ૭૪ ટકા સાથે ઉત્તર પ્રદેશ ત્રીજા, ૬૮ ટકા સાથે રાજસ્થાન ચોથા અને ૬૨ ટકા સાથે હરિયાણ પાંચમા ક્રમાંકે છે જ્યાં લોકો માતા, બહેન અને પુત્રી સામે અપશબ્દોનો ઉપયોગ કરે છે અથવા સાંભળે છે. મહારાષ્ટ્રમાં ૫૮ ટકા, ગુજરાતમાં પંચાવન ટકા, મધ્ય પ્રદેશમાં ૪૮ ટકા અને ઉત્તરાખંડમાં ૪૫ ટકા લોકો અપશબ્દો બોલે છે. કાશ્મીરમાં અપશબ્દો બોલવાનું પ્રમાણ સૌથી ઓછું ૧૫ ટકા છે. સર્વેની ચોંકાવનારી વાત એ હતી કે ૩૦ ટકા મહિલાઓ અને છોકરીઓ પણ અપશબ્દોનો ઉપયોગ કરતી હોવાનું જાણવા મળ્યું હતું.
આ સર્વેમાં લગભગ ૭૦,૦૦૦ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. એમાં યુવાનો, માતા-પિતા, શિક્ષકો, પોલીસ કર્મચારી, ડૉક્ટરો, વકીલો, ઑટો-ડ્રાઇવરો, સ્કૂલ અને કૉલેજના સ્ટુડન્ટ્સ, ઉદ્યોગપતિઓ, સ્વચ્છતા કાર્યકરો અને પંચાયત સમિતિના સભ્યોનો સમાવેશ થતો હતો. પ્રો. સુનીલ જાગલાને કહ્યું હતું કે બાળકો ઘરેથી અપશબ્દો શીખે છે અને એ આદત બની જાય છે. ૨૦૧૪માં શરૂ થયેલા આ અભિયાનનો વિડિયો ૫૦ લાખથી વધુ લોકોએ જોયો છે. સુનીલ જાગલાને અત્યાર સુધીમાં ૬૦,૦૦૦થી વધુ સ્થળોએ ‘ગાલી બંદ ઘર’ ચાર્ટ ઇન્સ્ટૉલ કર્યા છે અને લાખો લોકોને તેમની આ ખરાબ આદતમાંથી બહાર કાઢ્યા છે. આ સર્વેનો ઉદ્દેશ મૌખિક દુર્વ્યવહારની વ્યાપક સંસ્કૃતિ તરફ ધ્યાન દોરવાનો હતો અને ઘરે નમ્ર વાતચીતને પ્રોત્સાહન આપવાનો હતો.