દિલ્હી : રોહિણી કોર્ટમાં શૂટઆઉટ, ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગી સહિત ૪નાં મોત

24 September, 2021 02:51 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

રાઈવલ ટિલ્લુ ગેંગના બે શૂટર વકીલના કપડાંમાં આવ્યા હતા અને ફાયરિંગ કર્યું હતું

પ્રતીકાત્મક તસવીર

દિલ્હીની રોહિણી કોર્ટ પરિસરમાં શુક્રવારે ગેંગવોર થઈ. બદમાશોએ ગોળી મારીને ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગીની હત્યા કરી છે. આ ગેંગવોરમાં જીતેન્દ્ર ગોગી સહિત કુલ ચાર લોકો માર્યા ગયા છે. ફાયરિંગમાં ત્રણથી ચાર લોકો ઘાયલ પણ થયા છે. મળતી માહિતી મુજબ, જીતેન્દ્ર ગોગીને સુનાવણી અંતર્ગત કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. ગોળી વાગ્યા બાદ ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું.

મળતી માહિતી પ્રમાણે, રાઈવલ ટિલ્લુ ગેંગના બે શૂટર વકીલના કપડાંમાં આવ્યા હતા. તેઓએ કોર્ટ રૂમ નંબર ૨૦૭માં જજ ગગનદીપસિંહની સામે જ જીતેન્દ્ર ગોગી પર ગોળીઓ ચલાવી હતી. પોલીસના વળતા ફાયરિંગમાં બન્ને બદમાશ ઠાર થઈ ગયા હતા. જેમાંથી એકનું નામ રાહુલ છે. રાહુલ પર ૫૦,૦૦૦ રુપિયાનું ઈનામ છે. જ્યારે બીજો તેનો સાથી છે.

અગાઉ, દિલ્હી પોલીસને મોટી સફળતા મળી હતી, જ્યારે મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર જીતેન્દ્ર માન ઉર્ફે ગોગીને તેના ત્રણ સાથીઓ સાથે પકડવામાં આવ્યો હતો. દિલ્હીમાં ગોગી પર ૪ લાખ અને હરિયાણામાં ૩ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. હરિયાણા પોલીસે આ પુરસ્કાર રાગિણી ગાયક હર્ષિયા દહિયા હત્યા કેસમાં રાખ્યો હતો. દિલ્હી પોલીસે ગોગી અને તેના સાથીઓની ગુરુગ્રામના એક એપાર્ટમેન્ટમાંથી ધરપકડ કરી હતી. ગોગીએ ઘણા મોટા ગુનાઓ કર્યા છે. નરેલામાં આમ આદમી પાર્ટીના નેતા વીરેન્દ્ર માનને ગોગી ગેંગના ગુંડાઓએ ૨૬ ગોળી મારી હતી. વર્ષ ૨૦૧૮માં આ ગેંગની ટિલ્લુ ગેંગ સાથે લડાઈ થઈ હતી. જેમાં ૩ લોકો માર્યા ગયા હતા અને પાંચ લોકો ઘાયલ થયા હતા.

તમને જણાવી દઈએ કે, ટિલ્લુ અને ગોગી ગેંગ વચ્ચે ગેંગ વોર ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે, જેમાં બન્ને તરફથી ૨૫થી વધુ લોકો માર્યા ગયા છે. સુનીલ ઉર્ફે ટિલ્લુ અને ગોગી ગેંગ વચ્ચે જૂની દુશ્મની છે. બન્ને ગેંગના ડઝનેક લોકો ગેંગ વોરમાં માર્યા ગયા છે. તાજપુરીયા ગામનો ટીલ્લુ અને અલીપુર ગામનો ગોગી એક સમયે મિત્રો હતા. પરંતુ હવે બન્નેની જુદી જુદી ગેંગ છે. દક્ષિણ પશ્ચિમ, દ્વારકા, બહરી, રોહિણી, ઉત્તર અને દક્ષિણ પશ્ચિમ દિલ્હીમાં થયેલા મોટા ગેંગ વોરમાં ગોગી ગેંગનો હાથ છે. કેટલાક ગેંગ વોરમાં, આ ગેંગ સામે 50 થી 100 રાઉન્ડ ફાયરિંગના આરોપો લગાવવામાં આવ્યા છે.

national news delhi new delhi