પાકિસ્તાન પ્રેરિત હુમલાનો દિલ્હી પોલીસે કર્યો પર્દાફાશ

15 September, 2021 11:02 AM IST  |  New Delhi | Agency

મહારાષ્ટ્ર, દિલ્હી અને યુપીમાં અનીસ ઇબ્રાહિમના ઇશારે પ્રચંડ હુમલા કરવાની તૈયારી કરતા ૬ આતંકવાદીઓ પકડાઈ ગયા

પાકિસ્તાન પ્રેરિત હુમલાનો દિલ્હી પોલીસે કર્યો પર્દાફાશ

નવરાત્રિથી દિવાળી દરમ્યાનની તહેવારોની સીઝનમાં દેશમાં ખાસ કરીને મહારાષ્ટ્ર, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં શ્રેણીબદ્ધ બૉમ્બધડાકા કરાવીને હાહાકાર મચાવી દેવાના પાકિસ્તાનના ષડ્‍યંત્રનો પર્દાફાશ થયો છે.
દિલ્હી પોલીસે ૬ આતંકવાદીની ધરપકડ કરીને તેમની પાસેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટકો અને શસ્ત્રો જપ્ત કર્યાં છે. ધરપકડ કરાયેલા આતંકવાદી પૈકી બે આતંકવાદીએ પાકિસ્તાનમાં બૉમ્બ બનાવવાની તાલીમ લીધી હતી. ધરપકડ કરાયેલા આતંકવાદીઓ દાઉદ ઇબ્રાહિમના ભાઈ અનીસના ઇશારે નવરાત્રિ અને રામલીલાના કાર્યક્રમ વખતે શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરવા ઇચ્છતા હતા.
દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલના ડીસીપી પ્રમોદ કુશવાહે જણાવ્યું હતું કે આ ઘટનાને લઈને અનેક રાજ્યોમાં ધરપકડ કરવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું એ દરમ્યાન બે આતંકવાદી ઉપરાંત અન્ય ૪ લોકોને પકડવામાં આવ્યા છે. આ રીતે કુલ ૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આતંકવાદી ષડ્‍યંત્ર સાથે સંડોવાયેલા લોકોની દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી છે.
દિલ્હી પોલીસના સ્પેશ્યલ કમિશનર નીરજ ઠાકુરે જણાવ્યું હતું કે ‘અમારી પાસે ૧૦ ઇન્પુટ હતી. સૌથી પહેલાં મહારાષ્ટ્રના સાલેમને પકડવામાં આવ્યો. બે વ્યક્તિની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી હતી. બીજી બાજુ ઉત્તર પ્રદેશમાંથી પણ ૩ જણની ધરપકડ કરવામાં આવી છે.’

national news pakistan new delhi