દિલ્હી હોટેલમાં મોતની આગઃ મૃતકોના પરિવારજનોને પાંચ લાખના વળતરનું એલાન

12 February, 2019 02:16 PM IST  | 

દિલ્હી હોટેલમાં મોતની આગઃ મૃતકોના પરિવારજનોને પાંચ લાખના વળતરનું એલાન

હોટેલમાં લાગેલી આગે લીધો 17નો ભોગ

રાજધાનીમાં મંગળવારે વહેલી સવારે હોટેલમાં લાગેલી આગનો 17 લોકો શિકાર બન્યા છે. 17 લોકોમાં સાત પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. મૃતકોમાં મોટા ભાગના દિલ્હીમાં ફરવા આવેલા ટૂરિસ્ટ અને બીજા લોકો હતા. મ્યાનમાર અને કોચીથી આવેલા લોકોનો પણ તેમાં સમાવેશ થાય છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે આગથી બચવા માટે અનેક લોકો તકિયા લઈને ચૌથા માળેથી કૂદ્યા. ઘટના સ્થળ પર દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પહોંચ્યા અને તેમણે ઘટના મામલે દુઃખ વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયાના વળતરનું એલાન કર્યું છે. થોડા સમય બાદ દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબ જંગ પણ પહોંચ્યા અને સ્થિતિનો તાગ મેળવ્યો.

મોતની આગની મોટી વાતો
અકસ્માતમાં ઈનકમ ટેક્સના કમિશ્નર સુરેશ કુમારનું પણ મોત થયું છે. તેઓ મૂળ પંતકૂલાના હતા અને દિલ્હીમાં ફરજ બજાવતા હતા.ઘાયલોમાં એક વિદેશી મહિલા પણ સામેલ છે જે મ્યાંમારના હતા. આ મહિલા આગથી બચવા માટે કૂદી ગઈ હતી. રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં કુલ 13 લોકોને લાવવામાં આવ્યા હતા, તે તમામના મોત થયા હતા. જેમાંથી પાંચ લોકોની ઓળખ થઈ છે. 13માંથી 8 લોકોનાં મોત ગુંગળાઈ જવાના કારણે થયા છે અને બાકીના લોકોનાં સળગી જવાના કારણે. હોટેલમાંથી કૂદનારા લોકોમાં એક ટૂરિસ્ટ મહિલા ગાઈડનો પણ સમાવેશ થાય છે, જેનો ઈલાજ ચાલી રહ્યો છે.

વહેલી સવારે આગ લાગ્યા બાદ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને બચાવકાર્ય હાથ ધર્યું હતું. જાણકારી પ્રમાણે હોટેલ અર્પિત પેલેસમાં વહેલી સવારે સાડા ચાર વાગ્યે આગ લાગી. લોકો કાંઈ સમજી શકે તે પહેલા, આગ ફેલાઈ ગઈ. જે બાદ લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો. ચીફ ફાયર ઑફિસરના પ્રમાણે 2 લોકો ઈમારત પરથી કૂદી પડ્યા. હોટેલમાં કેટલાક લોકો ફસાયા હોવાની પણ આશંકા હોવાથી સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ દિલ્હીમાં હોટેલમાં આગથી બચવા કૂદ્યા લોકો, અત્યાર સુધીમાં 17નાં મોત

PMOએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્હીમાં થયેલા અકસ્માત પર પ્રધાનમંત્રી કાર્યાલયે પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.


કાર્યક્રમો કરાયા રદ્દ
આગના કારણે 17 લોકોનાં મોત થતા દિલ્હી જાણે ઘેરા શોકમાં છે. આમ આદમી પાર્ટીની સરકારને ચાર વર્ષ પુરા થવાની ખુશીમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જે રદ્દ કરવામાં આવ્યો છે. સાથે જ દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિની અધ્યક્ષા શીલા દીક્ષિતે પણ આજના તેમના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા છે.