સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું બાંધકામ અટકાવવાની માંગ કરતી અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી

31 May, 2021 11:34 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

જસ્ટિસ ડી.એન. પટેલ અને જસ્ટિસ જ્યોતિ સિંઘની બેન્ચ જે આ અરજી પર કામ કરી રહી હતી તેમણે અરજદારને એક લાખ રૂપિયાનો દંડ ચૂકવવાની ફરજ પાડી છે કારણકે તેમના મતે આ અરજી વાજબી અને સત્ય આધારિત નથી પણ કોઇ ઉશ્કેરણીથી કરવામાં આવી છે

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટની નજીક પ્રિન્સેસ પાર્કનો વિસ્તાર આવરી લેવાશે. - તસવીર- એએફપી

દિલ્હી હાઇકોર્ટે સોમવારે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણને અટકાવવાની માંગ કરતી અરજી ફગાવી દીધી છે અને આ સાથે કોરોનાવાઇરસના રોગચાળા દરમિયાન પણ આ પ્રોજેક્ટની કામગીરી ખોરંભાશે નહીં. હાઇકોર્ટે કહ્યું છે કે આ પ્રોજેક્ટ જરૂરી છે અને મહત્વનો રાષ્ટ્રીય પ્રોજેક્ટ છે માટે તેને અટકાવાશે નહીં. 

જસ્ટિસ ડી.એન. પટેલ અને જસ્ટિસ જ્યોતિ સિંઘની બેન્ચ જે આ અરજી પર કામ કરી રહી હતી તેમણે અરજદારને એક લાખ રૂપિયાનો દંડ ચૂકવવાની ફરજ પાડી છે કારણકે તેમના મતે આ અરજી વાજબી અને સત્ય આધારિત નથી પણ કોઇ ઉશ્કેરણીથી કરવામાં આવી છે. 

દિલ્હી હાઈકોર્ટમાં અનુવાદક અન્યા મલ્હોત્રા અને ઈતિહાસકાર સોહેલ હાશમીની સંયુક્ત અરજીમાં આ પ્રોજેક્ટ પર કોરોના મહામારી દરમિયાન રોક લગાવવાની માગણી કરાઈ હતી. અરજીમાં કહેવાયું હતું કે પ્રોજેક્ટ એક જરૂરી કાર્ય નથી અને તેને થોડા સમય માટે રોકી શકાય તેમ છે. અરજીમાં એમ પણ કહેવાયું હતું કે કોરોના દરમિયાન કોઈ પણ આવા પ્રોજેક્ટને આગળ વધારવાની મંજૂરી ન મળવી જોઈએ. અરજીમાં એવી દલીલ કરાઈ હતી કે આ પ્રોજેક્ટના કારણે મહામારીના સમયમાં અનેક લોકોના જીવ જોખમમાં છે. 

આ તરફ બેન્ચે કહ્યું હતું કે, "કામદારો સાઇટ પર જ રહી રહ્યા છે અને આ કારણે કામ અટકાવવાનો પ્રશ્ન જ ખડો નથી થતો. DDMA ઓર્ડર કોઇપણ રીતે આ બાંધકામ અટકાવતો નથી. આ બાંધકામનો કોન્ટ્રાક્ટ શાપૂરજી પાલનજી ગ્રૂપને અપાયો છે અને નવેમ્બર 2021 સુધીમાં આ કામ પુરું કરવાનું હોવાથી તેને આગળ વધવાની મંજૂરી આપવી જ રહી."

આ બાજુ કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે પ્રોજેક્ટ સાઈટ પર કોરોના પ્રોટોકોલનું પાલન થઈ રહ્યું છે. તુષાર મહેતાએ સુનાવણી દરમિયાન અરજીકર્તાની નિયત પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે તેમનું જનહિત ખુબ સિલેક્ટિવ છે. પ્રોજેક્ટ સાઈટથી માત્ર 2 કિલોમીટર દૂર ચાલી રહેલા નિર્માણ કાર્ય અને ત્યાંના મજૂરોની તેમને કોઈ ચિંતા થતી નથી. 

દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પાસે રાજપથની  બંને બાજુના વિસ્તારોને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ કહેવાય છે. જેમાં રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટની નજીક પ્રિન્સેસ પાર્કનો વિસ્તાર આવરી લેવાશે. સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના આ સમગ્ર વિસ્તારને રિનોવેટ કરવાની યોજનાને કહે છે. આ પ્રોજેક્ટ હેઠળ નવા સંસદ પરિસરનું નિર્માણ થવાનું છે. 

 

 

delhi news indian government delhi high court new delhi