દિલ્હીમાં ભારે વરસાદને લીધે ઝૂપડાંઓ તણાઈને ગટરમાં વહી ગયા, જુઓ વીડિયો

19 July, 2020 04:12 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

દિલ્હીમાં ભારે વરસાદને લીધે ઝૂપડાંઓ તણાઈને ગટરમાં વહી ગયા, જુઓ વીડિયો

તસવીર સૌજન્ય: એએનઆઈ

રાજધાની દિલ્હીમાં રવિવારે પડેલા મુશળધાર વરસાદને લીધે ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે તો અનેક ઠેકાણે અકસ્માત પણ થયા છે. એક બાજુ, દિલ્હીમાં મિંટો રોડ પર અન્ડરપાસમાં પાણી ભરાતા બસ ફસાઈ ગઈ હતી. DTCની બસમાં અનેક મુસાફરો પણ ફસાયા હતા અને દુર્ઘટનામાં એક મુસાફરનું મોત થયું છે. તો બીજી બાજુ, આઈટીઓ પાસે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ની બિલ્ડિંગ પાછળ અન્ના નગર ઝૂપડપટ્ટીમાં ભારે વરસાદને લીધે બહુ નુકસાન થયું છે. અહીં ગટર પાસે આવેલા આઠથી દસ ઝૂંપડાઓ નાળામાં વહી ગયા છે.

સમગ્ર દિલ્હીમાં રવિવાર સવારથી મુશળધાર વરસાદ ચાલુ જ છે. આઈટીઓ પાસે WHOની બિલ્ડિંગ પાછળ આવેલી અન્ના નગર ઝૂપડપટ્ટીમાં ભારે વરસાદને લીધે અનેક ઝૂંપડાઓ નાળામાં વહી ગયા હતાં. જોકે, ગટર પાસે આવેલા ઝૂંપડાંઓને પહેલેથી જ ખાલી કરી દેવામાં આવ્યા હોવાથી કોઈ જાનહાની નથી થઈ. પરંતુ અચાનક આ બનાવ બનતા રહેવાસીઓને ઘરમાંથી સામાન કાઢવાની તક નહોતી મળી અને તેમનો બધો સામાન તણાઈને ગટરમાં જતો રહ્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે, ઘરની પાછળ પાણીના જોરદાર પ્રવાહને લીધે એક મોટો ખાડો પડી ગયો હતો. જેમાં લોકોની આંખ સામે જ બે માળનું મકાન પાણીમાં તણાઈ ગયું હતું. દુર્ઘટનાના સમાચાર મળતાની સાથે જ પોલીસ રાહતકાર્યની ટીમને લઈને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ગટર પાસે આવેલા અન્ય ઝૂંપડાંઓ પણ ખાલી કરાવ્યાં હતાં.

દિલ્હીમાં ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતાં. તિલક બ્રિજ, નેશનલ મીડિયા સેન્ટર વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતાં. આઇટીઓ, કિર્તિનગર વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. એટલું જ નહીં, દિલ્હીમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. અહીં 21 જુલાઈ સુધી ભારે વરસાદ થઇ શકે છે.

new delhi