દિલ્હીના મુખ્ય પ્રધાનનાં પત્નીએ શરૂ કર્યું ‘કેજરીવાલ કો આશીર્વાદ’ અભિયાન

30 March, 2024 01:49 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

આ અભિયાનમાં જોડાઈને અરવિંદ કેજરીવાલને 8297324624 નંબર પર મેસેજ મોકલી શકાશે‍

અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનીતા કેજરીવાલે ગઈ કાલે ‘કેજરીવાલ કો આશીર્વાદ’ નામનું નવું અભિયાન શરૂ કર્યું હતું. તેમણે વિડિયો-મેસેજ દ્વારા પાર્ટીના કાર્યકર્તાઓની સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો.

ગયા અઠવાડિયે દિલ્હી લિકર પૉલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ કરી હતી અને તેઓ હાલ કસ્ટડીમાં છે. સુનીતા કેજરીવાલે ગઈ કાલે વિડિયો-મેસેજમાં કહ્યું હતું કે ‘કેજરીવાલની ધરપકડ સામે ‘કેજરીવાલ કો આશીર્વાદ’ નામનું એક અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાનમાં લોકો અરવિંદ કેજરીવાલને આશીર્વાદ આપી શકે છે. આ માટેનો વૉટ્સઍપ નંબર 8297324624 છે. મને ઘણા લોકો ફોન કરીને કહી રહ્યા છે કે કેજરીવાલને મુક્ત કરવામાં આવે એ માટે તેઓ ઉપવાસ રાખી રહ્યા છે. આના પરથી જણાય છે કે લોકો કેજરીવાલને કેટલો પ્રેમ કરે છે. આ નંબર પર તમે મેસેજ મોકલશો તો એ તેમના સુધી પહોંચશે અને તેમને એ વાંચવો પણ ગમશે. તમે AAP સાથે જોડાયેલા ન હોય તો પણ મસેજ કરી શકો છો.’ 
અરવિંદ કેજરીવાલની સરખામણી સ્વતંત્રતાસેનાનીઓની સાથે કરતાં સુનીતા કેજરીવાલે ઉમેર્યું હતું કે ‘જેમ સ્વતંત્રતાસેનાનીઓ અંગ્રેજો સામે લડતા હતા એમ અરવિંદ કેજરીવાલે દેશની સૌથી ભ્રષ્ટાચારી અને તાનાશાહી તાકાતોને લલકારી છે. તેમણે ગુરુવારે કોર્ટમાં જે કહ્યું એ કહેવા માટે ખૂબ હિંમત જોઈએ. તેઓ સાચા દેશભક્ત છે અને દેશભક્તિ તેમના રોમ-રોમમાં ભરેલી છે. મને વિશ્વાસ છે કે તેમની આ લડાઈમાં તમે સાથ આપશો અને આ લડાઈ આપણે સૌ સાથે મળીને લડીશું.’

હાઉસિંગ અને અર્બન અફેર્સ તેમ જ પેટ્રોલિયમ ઍન્ડ નૅચરલ ગૅસ ખાતાના કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરીએ ગઈ કાલે જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ ટૉપ પોસ્ટ મેળવવાની તૈયારી કરી રહી છે.

દિલ્હીમાં પણ બિહારનું પુનરાવર્તન થઈ શકે છે એવું જણાવીને હરદીપ પુરીએ ઉમેર્યું હતું કે ‘કેજરીવાલની પત્ની સુનીતા રેવન્યુ વિભાગમાં માત્ર તેમની સહકર્મચારી નહોતી. તેમણે તમામ લોકોને સાઇડલાઇન કરી દીધા હતા. હવે મૅડમ પાર્ટીમાં ટૉપ પોસ્ટ માટેની તૈયારી કરી રહ્યાં છે. બિહારમાં જેમ લાલુ પ્રસાદ યાદવે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું અને તેમના સ્થાને રાબડી દેવી બેસી ગયાં એવું મૅડમ પણ કરવા ધારે છે. હવે કેજરીવાલ પાસે સમય મર્યાદિત છે.’

અરવિંદ કેજરીવાલની ધરપકડના મુદ્દે અમેરિકા, જર્મની બાદ હવે સંયુક્ત રાષ્ટ્રસંઘ પણ કૂદી પડ્યું

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડના મુદ્દે જર્મની અને અમેરિકા બાદ સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ નિવેદન આપ્યું છે અને આશા વ્યક્ત કરી છે કે જે દેશમાં ચૂંટણી થઈ રહી છે એ દેશમાં લોકોના રાજકીય અને નાગરિક અધિકારોની રક્ષા થશે, દરેક વ્યક્તિ સ્વતંત્ર અને નિષ્પક્ષ માહોલમાં મતદાન કરવામાં સક્ષમ બનશે. 
સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રીના પ્રવક્તા ગુરુવારે એક પત્રકાર પરિષદમાં વિવિધ વિષયોના મુદ્દે જવાબ આપી રહ્યા હતા ત્યારે તેમને ભારતમાં કેજરીવાલની ધરપકડ અને કૉન્ગ્રેસનાં 
બૅન્ક-અકાઉન્ટ્સ ફ્રીઝ કરવા વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ‘અમને આશા છે કે ચૂંટણી જ્યાં યોજાઈ રહી છે એવા 
ભારત જેવા દેશમાં દરેક લોકોના રાજકીય અને નાગરી અધિકારોનું જતન થવું જોઈએ. દરેક 
વ્યક્તિ નિષ્પક્ષ રીતે મતદાન 
કરી શકે એવો માહોલ હોવો જોઈએ અને ચૂંટણી મુક્ત અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાવી જોઈએ.’ 

delhi news arvind kejriwal aam aadmi party national news india