12 November, 2025 10:28 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે વિસ્ફોટ પછી પેટમાં મેટલનો ટુકડો ઘૂસી ગયા બાદ લોહીથી લથપથ શર્ટ સાથે ૪૦ વર્ષનો રિક્ષા-ડ્રાઇવર અવધેશ મંડલ પોતાની રિક્ષામાં બેઠો અને સુશ્રુત મેડિકલ સેન્ટર પહોંચવા માટે ૪ કિલોમીટરથી વધુ રિક્ષા ચલાવી હતી. તેણે કોઈની મદદની રાહ જોઈ નહોતી. મૂળ બિહારનો અને સાઉથ દિલ્હીના નેહરુનગરમાં રહેતો અવધેશ નજીકના મિત્રો સાથે ભાડાના ફ્લૅટમાં શૅરિંગ ધોરણે રહે છે. તે ઘાયલ થયો છે એ સમાચાર સાંભળતાંની સાથે જ ૬ મિત્રો હૉસ્પિટલમાં દોડી ગયા હતા. અવધેશ ઑપરેશન થિયેટરમાં હતો ત્યારે તેના મિત્રો અને પરિવાર બહાર રાહ જોઈ રહ્યા હતા.
મોહમ્મદ સફવાન જાતે હૉસ્પિટલમાં પહોંચ્યો
ચેન્નઈથી નોકરી માટે દિલ્હી આવેલો ૨૮ વર્ષનો મોહમ્મદ સફવાન ટ્રાન્સપોર્ટ ઑફિસથી કાશ્મીરી ગેટ તરફ જઈ રહ્યો હતો. વિસ્ફોટની તીવ્રતાના લીધે તે રિક્ષામાંથી નીચે પડી ગયો હતો. તે પણ જાતે હૉસ્પિટલમાં પહોંચ્યો હતો. તેના પિતાએ કહ્યું હતું કે ‘તેણે અમને કોઈ બીજાના ફોનથી જાણ કરી હતી કે તે વિસ્ફોટમાં ઘાયલ થયો છે. તે પોતે હૉસ્પિટલમાં પહોંચ્યો હતો. તેના પગમાં ઈજા થઈ છે. તેની તબિયત સ્થિર છે.’