17 November, 2025 10:19 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ડૉ. શાહીન શાહિદા, ડૉ. ઉમર નબી
દિલ્હીમાં ગયા સોમવારે સાંજે લાલ કિલ્લાની પાસે થયેલા વિસ્ફોટની તપાસમાં ગુપ્તચર એજન્સીઓને સફળતા મળી છે. ત્રણેય ડૉક્ટરો ઉમર, મુઝમ્મિલ અને શાહીન સાથે સંકળાયેલા ૨૦ લાખ રૂપિયાના મની ટ્રેલનો ખુલાસો થયો છે. આ રકમ
જૈશ-એ-મોહમ્મદના એક હૅન્ડલરે હવાલા નેટવર્કના માધ્યમથી મોકલી હોવાની આશંકા છે. એવું માનવામાં આવે છે કે આ રકમમાંથી ૩ લાખ રૂપિયામાં ૨૬ ક્વિન્ટલ ફર્ટિલાઇઝરો ખરીદવામાં આવ્યાં હતાં જેમાં ખેતીવાડીમાં વપરાતાં નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને પોટૅશિયમ આધારિત કેમિકલ મિશ્રણ છે. એમાંથી વિસ્ફોટકો પણ બનાવવામાં આવે છે. આ નાણાંને લઈને ડૉ. ઉમર અને ડૉ. શાહીન વચ્ચે મતભેદ પણ થયો હોવાનું મનાય છે. મુઝમ્મિલ પાસેથી મળેલી જાણકારીના આધારે મની ટ્રેલ સિવાય આ ષડ્યંત્ર પાછળની ફાઇનૅન્શિયલ લિન્ક સમજવામાં મદદ મળશે.
વિસ્ફોટની જગ્યાએથી ૯ MM કૅલિબરની ૩ કારતૂસ મળી
દિલ્હી પોલીસને લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટના સ્થળેથી ૯ MM કૅલિબરની પિસ્તોલની ૩ કારતૂસ મળી આવી હતી. એમાં એક ખાલી કારતૂસ હતી અને બે લાઇવ કારતૂસ હતી. આ પિસ્તોલનો ઉપયોગ સુરક્ષા દળો દ્વારા કરવામાં આવે છે. નાગરિકો આવી પિસ્તોલ વાપરી શકતા નથી.
ડૉ. ઉમર નબી એક વર્ષથી ફિદાયીનોની તલાશમાં હતો - પૂછપરછ માટે પકડવામાં આવેલા એક સહઆરોપીએ ખુલાસો કર્યો કે ઇસ્લામમાં સુસાઇડ હરામ હોવાથી તેણે ના પાડી દીધી હતી
વાઇટ ટેરર મૉડ્યુલની તપાસમાં લાગેલા એક અધિકારીએ કહ્યું હતું કે દિલ્હીમાં બ્લાસ્ટ કરવાનો મુખ્ય આરોપી ડૉ. ઉમર નબી છેલ્લા એક વર્ષથી ફિદાયીનની શોધ કરી રહ્યો હતો. શ્રીનગર પોલીસે ડૉ. અદીલ રાધર, ડૉ. મુઝફ્ફર ગનઈ અને દાનિશ નામના આરોપીઓની પૂછપરછ કરી હતી. કુલગામની એક મસ્જિદમાં ડૉક્ટર મૉડ્યુલની વાત પહોંચી હતી. આ મસ્જિદમાંથી પકડાયેલા આરોપીએ કહ્યું હતું કે તે આર્થિક મુશ્કેલી ધરાવતો હોવાથી ડૉ. ઉમરે ૩ મહિના સુધી સુસાઇડ બૉમ્બર બનવા માટે તેનું બ્રેઇન વૉશ કર્યું હતું, પરંતુ ઇસ્લામમાં સુસાઇડ હરામ હોવાથી તેણે ના પાડી દીધી હતી.