બીજિંગની હવા શુદ્ધ થઈ શકે તો દિલ્હીની કેમ નહીં : સરકારને સવાલ

20 November, 2019 10:22 AM IST  |  New Delhi

બીજિંગની હવા શુદ્ધ થઈ શકે તો દિલ્હીની કેમ નહીં : સરકારને સવાલ

દિલ્હીમાં પ્રદૂષણ

સંસદના શિયાળુ સત્રના આજે બીજા દિવસે કૉન્ગ્રેસના નેતાઓની સુરક્ષા-કાશ્મીર અને જેએનયુમાં લાઠીચાર્જના મુદ્દાઓની સાથે દિલ્હીના પ્રદૂષિત વાતાવરણનો મુદ્દો પણ ગાજ્યો હતો અને સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે જો ચીનના સૌથી ખરાબ શહેર બીજિંગની હવા શુદ્ધ થઈ શકતી હોય તો દિલ્હીની કેમ નહીં.
ચર્ચાની શરૂઆત કરતાં કૉન્ગ્રેસના નેતા મનીષ તિવારીએ કહ્યું કે દિલ્હીની હવા પ્રદૂષણને કારણે  એટલી ગરમ છે કે  લોકો ઝેરી ગૅસનો શ્વાસ લે છે. તેને પક્ષીય રાજકારણથી ઉપર ઊઠીને જોવું જરૂરી છે. આ પરિસ્થિતિ દર વર્ષે આ જ સમયે શા માટે ઉત્પન્ન થાય છે તે  વિચારવાની જરૂર છે. વિશ્વના ૧૫ સૌથી પ્રદૂષિત શહેરોમાંથી ૧૪ ભારતના છે. કાનપુર, બનારસ, ગયા, પટણા, દિલ્હી, લખનઉ, મુઝફ્ફરપુર, આગ્રા, શ્રીનગર, પટિયાલા, જોધપુર અને ઘણાં વધુ શહેરો પ્રદૂષણમાં પ્રથમ ક્રમે છે. સરકાર તેની સાથેના વ્યવહાર માટે કેમ અવાજ ઉઠાવતી નથી, ગૃહમાં આ બાબત કેમ ગંભીર થતી નથી, શા માટે લોકોને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવો પડે છે? એવો સવાલ પણ તેમણે કર્યો હતો. આ એક ગંભીર વિષય છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કહ્યું છે કે દિલ્હીમાં પીવાનું પાણી એક બાજુ છોડી દો, તે સ્નાન કરવા યોગ્ય નથી. આવી જ સ્થિતિ આપણી નદીઓની છે. એવું નથી કે આપણે આ સમસ્યાનો સામનો કરી શકીએ નહીં. બીજિંગ આનું સૌથી મોટું ઉદાહરણ છે. જો બીજિંગની હવા સાફ થઈ શકે છે તો અહીં કેમ નહીં.
આ કાયદો જે ૧૯૮૧માં હવાના પ્રદૂષણને રોકવા માટે ઘડવામાં આવ્યો હતો તેને વધુ મજબૂત બનાવવાની જરૂર છે. આ સાથે સરકારે જાન્યુઆરી ૨૦૧૮માં રાષ્ટ્રીય ક્લીન અૅર પ્રોગ્રામની જાહેરાત કરી તેનો હેતુ સારો છે પરંતુ તેનો ખર્ચ માત્ર ૩૦૦ કરોડ રાખવામાં આવ્યો છે. ૩૦૦ કરોડ રૂપિયામાં આ દેશની હવા સાફ થવાની નથી. આ સાથે તેમણે કહ્યું કે પ્રદૂષણના મામલે આ ગૃહની સ્થાયી સમિતિની રચના થવી જોઈએ.

પહેલાં કેજરીવાલ ખાંસતા હતા, હવે આખું દિલ્હી!
પ્રદૂષણ અંગેની ચર્ચા દરમ્યાન બીજેપીના સાંસદ પ્રવેશ વર્માએ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. પ્રદૂષણની સ્થિતિ અંગે તેમણે કેજરીવાલની આકરી ટીકા કરી હતી. કેજરીવાલની ઝાટકણી કાઢતાં બીજેપીના સાંસદ પ્રવેશ સાહેબસિંહે કહ્યું કે દિલ્હીના મુખ્ય પ્રધાન પોતે  જ પ્રદૂષણ છે. પહેલાં તેઓ પોતે એકલા ખાંસતા હતા, હવે આખી દિલ્હીને ખાંસતા કરી નાખ્યા છે.

new delhi air pollution