ખતરનાક સુપર-મ્યુટન્ટ કોરોના, દર ત્રણમાંથી એકનો જીવ લઈ લેશે

01 August, 2021 09:45 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

એક્સપર્ટસે બ્રિટન સરકારને સમયસર પગલાં ભરવાની માગણી કરી છે

ત્રીજી લહેરના ભણકારા?: ચીનના હુવાન પ્રાંતમાં ફરી એક વાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. પૂરથી પ્રભાવિત થયેલા આ વિસ્તારમાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટના કેસ મોટા પ્રમાણમાં મળી આવતાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ચીનને ચેતવણી આપી છે. એક બાળકની કોરોના ટેસ્ટ માટે નમૂના લઈ રહેલા મેડિકલ વર્કર (તસવીરઃ એ.એફ.પી.)

બ્રિટનના સરકારી વૈજ્ઞાનિકોના ગ્રુપે ચેતવણી આપી છે કે કોરોના વાઇરસનો સુપર-મ્યુટન્ટ વેરિઅન્ટ એટલો ખતરનાક હોઈ શકે છે કે તેના લીધે દર ત્રણમાંથી એક વ્યક્તિનું મોત થઈ શકે છે. આ એક્સપર્ટસે બ્રિટન સરકારને સમયસર પગલાં ભરવાની માગણી કરી છે.

આ ગ્રુપમાં સામેલ એક્સપર્ટસનું કહેવું છે કે જ્યારે વાઇરસ કોઈ જગ્યાએ વધુ સમય સુધી રહે છે તો તેમાં મ્યુટેશનની સંભાવના સૌથી વધુ હોય છે. આવું જ બ્રિટનમાં થઈ રહ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બ્રિટનને શિયાળા સુધીમાં બૂસ્ટર વૅક્સિન લાવવી પડશે, વિદેશથી વાઇરસના નવા વેરિઅન્ટને આવતા રોકવા પડશે અને જેમાં વાઇરસ રહ્યા હોય એવાં પ્રાણીઓને પણ મારવા પડી શકે છે.

એક્સપર્ટસનું કહેવું છે કે જો આવનાર સ્ટ્રેન દક્ષિણ આફ્રિકામાં મળેલા બીટા અને કેન્ટમાં મળેલા આલ્ફા કે ભારતમાં મળેલા ડેલ્ટા વેરિઅન્ટથી મળીને બન્યો તો આ વૅક્સિન્સને પણ બિનઅસરકારક કરી દેશે. તેના લીધે મૃત્યુદર પણ વધવાની આશંકા છે. જોકે ટીમનું કહેવું છે કે વૅક્સિનને બિનઅસરકારક કરવા માટે કોઈ ખૂબ જ શક્તિશાળી વેરિઅન્ટની જ જરૂર પડશે.

national news coronavirus covid19