19 June, 2026 12:46 PM IST | Jharkhand | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ઝારખંડના પાટનગર રાંચીમાં વિક્ટરી સાઇન દેખાડતા પરિમલ નથવાણી.
ઝારખંડમાં યોજાયેલી રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણીમાં થયેલા ક્રૉસવોટિંગને કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. વિપક્ષી વિધાનસભ્યોના આંતરિક અસંતોષને કારણે ક્રૉસવોટિંગના સહારે નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA) સમર્થિત અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણીએ કૉન્ગ્રેસના સત્તાવાર ઉમેદવાર પ્રણવ ઝાને હરાવીને જીત મેળવી છે જેને કૉન્ગ્રેસ માટે બહુ મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે, જ્યારે સત્તાધારી પક્ષ ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના ઉમેદવાર બૈદ્યનાથ રામ અપેક્ષા મુજબ બીજી બેઠક જીતવામાં સરળતાથી સફળ રહ્યા છે.
ચૂંટણી-અધિકારીના જણાવ્યા અનુસાર ૮૧ સભ્યોની વિધાનસભામાં જીત માટે જરૂરી લઘુતમ ૨૮ પ્રથમ પસંદગીના મતોની સામે BJPની આગેવાની હેઠળના NDA પાસે માત્ર ૨૪ વિધાનસભ્યો હતા. જોકે વિપક્ષી છાવણીના ચાર વિધાનસભ્યોએ નથવાણીની તરફેણમાં ક્રૉસવોટિંગ કરતાં તેમને કુલ ૨૮ મતો મળ્યા હતા અને તેઓ વિજેતા જાહેર થયા હતા, જ્યારે કૉન્ગ્રેસના પ્રણવ ઝાને માત્ર ૨૦ મતો જ મળ્યા હતા. બીજી તરફ JMMના બૈદ્યનાથ રામને સૌથી વધુ ૩૦ મતો મળ્યા હતા, જ્યારે ત્રણ મતો અમાન્ય જાહેર કરાયા હતા જેમાં એક કૉન્ગ્રેસનો અને બે BJPના મતો સામેલ છે. BJPના વિધાનસભ્ય પ્રદીપ પ્રસાદે આ જીત પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે વિધાનસભ્યોએ પોતાના અંતરાત્માનો અવાજ સાંભળ્યો છે અને આ જીત નિશ્ચિત જ હતી.
પરિમલ નથવાણીએ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો
આ ઐતિહાસિક જીત બાદ પરિમલ નથવાણીએ ઝારખંડની જનતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ સહિત સમગ્ર NDA નેતૃત્વનો દિલથી આભાર માન્યો હતો. રાજ્યસભાના સભ્ય તરીકે ચોથી ટર્મ (ઝારખંડમાંથી ત્રીજી ટર્મ) માટે ચૂંટાયા બાદ તેમણે ભાવુક થઈને ટ્વીટ કર્યું કે ૨૦૦૮માં જ્યાંથી મારી સંસદીય સફર શરૂ થઈ હતી એ જ કર્મભૂમિ પર ફરી પરત ફરવું મારા માટે ગર્વની વાત છે.
BJPમાંથી હાંકી કઢાયેલા બે વિધાનસભ્યોએ કૉન્ગ્રેસની તરફેણમાં ક્રૉસવોટિંગ કર્યું, જનતા દલ (સેક્યુલર)ના ઉમેદવારની શરમજનક હાર
કર્ણાટક વિધાન પરિષદની ૭ બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમારના નેતૃત્વમાં શાસક કૉન્ગ્રેસે જોરદાર રાજકીય પલટો કરીને પાંચ બેઠક પર ઐતિહાસિક જીત મેળવી હતી, જ્યારે વિપક્ષી ગઠબંધન તરફથી ભારતીય જનતા પાર્ટી (BJP)ને બે બેઠક મળી હતી અને જનતા દલ (સેક્યુલર) (JD-S)ના ઉમેદવાર ગોવિંદરાજુની કારમી હાર થઈ હતી. આ ચૂંટણીમાં કૉન્ગ્રેસ પાસે પાંચમી બેઠક જીતવા માટે પૂરતું સંખ્યાબળ નહોતું, પરંતુ ડી. કે. શિવકુમારની ચોક્કસ રણનીતિને કારણે કૉન્ગ્રેસે વિપક્ષી છાવણીમાં મોટું ગાબડું પાડ્યું હતું. ચૂંટણીમાં તમામ ૨૨૨ વિધાનસભ્યોએ મતદાન કર્યું હતું. એમાં દરેક ઉમેદવારને જીતવા માટે ઓછામાં ઓછા ૨૮ મતની જરૂર હતી. સંખ્યાબળના આધારે કૉન્ગ્રેસની ૪ અને BJPની બે બેઠક પાકી હતી, પરંતુ સાતમી બેઠક માટે કૉન્ગ્રેસ અને JD(S) વચ્ચે ખરાખરીનો જંગ હતો જે કૉન્ગ્રેસે જીતી લીધો છે. કૉન્ગ્રેસે આ પાંચમી બેઠક પોતાના નામે કરવા માટે BJPમાંથી હાંકી કઢાયેલા ૩ વિધાનસભ્યોમાંથી બે એસ. ટી. સોમશેખર અને શિવરામ હેબ્બાર પાસે ક્રૉસવોટિંગ કરાવ્યું હતું. મતદાન બાદ આ બન્ને વિધાનસભ્યોએ જણાવ્યું હતું કે ‘BJP કે JD(S)માંથી કોઈએ પણ અમારો સંપર્ક કર્યો નહોતો, જ્યારે મુખ્ય પ્રધાન શિવકુમારે અમને રિસૉર્ટની બેઠકમાં બોલાવીને કૉન્ગ્રેસના ઉમેદવાર માટે ટેકો માગ્યો હતો. એટલે અમે પોતાના વિસ્તારના વિકાસ માટે અંતરાત્માના અવાજ પર કૉન્ગ્રેસને વોટ આપ્યો છે.’