આગામી 15 દિવસ ભારત માટે ખૂબ જ ઘાતક સાબિત થશે

23 July, 2020 11:08 AM IST  |  New Delhi | Agencies

આગામી 15 દિવસ ભારત માટે ખૂબ જ ઘાતક સાબિત થશે

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસે આખા ભારતને ભરડામાં લીધું છે. દિવસે-દિવસે કોરોના સંક્રમણના કેસમાં ભારે વધારો થઈ રહ્યો છે. કેમેય કરીને કોરોના વાઇરસનો કેર કન્ટ્રોલમાં નથી આવી રહ્યો. સામાન્ય લોકોની સાથોસાથ કોરોનાની સારવાર કરનારા અનેક તબીબો પણ આ ઘાતક વાઇરસના કારણે મોતને ભેટ્યા છે.

ભારત માટે આગામી સમય હજી પણ વધારે ગંભીર સાબિત થશે એવી ચેતવણી ઇન્ડિયન મેડિકલ અસોસિએશનના પ્રમુખે આપી છે. તેમણે ચેતવણી આપતાં કહ્યું છે કે આગામી ૧૫ દિવસ ભારત માટે ખૂબ જ ઘાતક સાબિત થશે.

ઇન્ડિયન મેડિકલ અસોસિએશનના પ્રમુખે ચેતવણી આપતાં કહ્યું છે કે કોરોનાના કેરને નાથવા સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે કોરોના વાઇરસનો સૌથી વધુ ભોગ ડૉક્ટરો પણ બની રહ્યા છે. એવી જ રીતે ડૉક્ટરોમાં મૃત્યુઆંક પણ સૌથી વધારે છે. સૌથી વધુ ઉંમરવાળા તબીબોનાં મોત થયાં છે. કુલ દર્દીમાં મૃત્યુદર ૨.૫ ટકા છે, જ્યારે તબીબોમાં મૃત્યુદર ૮ ટકા જેટલો છે.

બીજી બાજુ ભારત ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવેલી કોરોના વૅક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલ કરવાની તૈયારીમાં છે. દેશમાં જે ઝડપે કોરોના વાઇરસ મહામારી ફેલાઈ રહી છે એને ધ્યાનમાં રાખતાં દુનિયાના તમામ દેશોની માફક ભારતમાં પણ વૅક્સિન પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. જોકે તબીબી નિષ્ણાતોનું માનવું છે કે જો વૅક્સિન જલદી મળી જાય તો પણ ભારતના લોકોએ વર્ષો સુધી કોરોના વાઇરસ સાથે જ જીવવું પડી શકે છે.

તબીબી નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જો કોરોના વાઇરસની વૅક્સિન જલદીથી જ વિકસાવી લેવામાં આવે તો પણ ભારતની ૬૦થી ૭૦ ટકા વસ્તીનું વૅક્સિનેશન એટલે કે ટિકાકરણ કરાવવામાં જ લગભગ બે વર્ષનો સમય લાગી જશે. હર્ડ ઇમ્યુનિટી સુનિશ્ચિત કરવા ઓછામાં ઓછા ૬૦ થી ૭૦ ટકા વસ્તીમાં રોગ પ્રતિકારકશક્તિ વધારવી જરૂરી છે.

new delhi national news coronavirus covid19 lockdown