મૅરિટલ રેપને ગુનો ગણવાથી લગ્નસંસ્થા નબળી પડશે

22 January, 2023 09:57 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પુરુષ આયોગ નામક એનજીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી થયો વિરોધ

ફાઇલ તસવીર

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં મૅરિટલ રેપ અર્થાત્ પત્નીની ઇચ્છા વગર તેની સાથે શારીરિક સંબંધ બાંધવાને ગુનો જાહેર કરવા સામે વિરોધ કરવામાં આવ્યો છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે વૈવાહિક દુષ્કર્મને જો ગુનો જાહેર કરવામાં આવે તો લગ્નસંબંધ અસ્થિર થઈ શકે છે. આ અરજી એક એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવી છે. પુરુષ આયોગ ટ્રસ્ટનાં પ્રેસિડન્ટ બરખા ત્રેહાન દ્વારા માગ કરવામાં આવી છે કે વૈવાહિક કુષ્કર્મને ગુનો જાહેર કરવા માટે જે અરજી દાખલ કરવામાં આવી છે એમાં કોર્ટે દખલઅંદાજી કરવી જોઈએ. પૂરતા પુરાવા વગરના વૈવાહિક દુષ્કર્મના કેસ લગ્નનો અંત આણી શકે છે. જો બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બનાવવાનો કોઈ પુરાવો હશે તો એ માત્ર પત્ની જ હશે. પરિણામે સરળતાથી લગ્ન સંસ્થાને અસ્થિર કરી શકે છે. એનજીઓના વકીલ વિવેક નારાયણ શર્માએ કહ્યું હતું કે દેશભરમાં એવા ઘણા કિસ્સાઓ છે જ્યાં મહિલાઓએ કરેલા જૂઠા કેસને કારણે પુરુષે આત્મહત્યા કરી લીધી હોય. પરિણીત મહિલાઓએ કાયદાની ઘણી કલમનો દુરુપયોગ કર્યો છે; જેમાં શારીરિક હિંસા, ડોમેસ્ટિક વાયલન્સના કેસો સામેલ છે. અરજીમાં જણાવાયું હતું કે પત્ની દ્વારા દુષ્કર્મના કોઈ પણ આરોપ કહેવા માત્રથી જ સાચો ગણવી લેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારનો અભિપ્રાય પણ માગ્યો છે.

national news supreme court