બાળકોના રસીકરણનો નિર્ણય સરકાર વૈજ્ઞાનિક તર્ક તથા પુરવઠાની સ્થિતિ મુજબ કરાશે : વી. કે. પૉલ

18 October, 2021 09:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોવિડ ટાસ્ટ ફોર્સના ચીફના મતે કોરોનાની બીજી લહેર નબળી પડી રહી છે, પરંતુ ખરાબ સમય હજી વીતી ગયો નથી

વી. કે. પૉલ

સરકાર એકંદરે વૈજ્ઞાનિક તર્ક તેમ જ રસીની ઉપલબ્ધતાના આધાર પર ૧૮ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો અને કિશોરોને કોરોના વાઇરસ સામે રસી આપવાનો અંતિમ નિર્ણય લેશે, એમ કોવિડ ટાસ્ક ફોર્સના વડા વી. કે. પૉલે ગઈ કાલે જણાવ્યું હતું.

કોરોના વાઇરસ મહામારી સામે ઝડપી રસીકરણના સરકારના પ્રયાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા વી. કે. પૉલે ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે ‘સંક્રમણ ઘટી રહ્યું છે તેમ જ બીજી લહેરનો પ્રસાર ઘટી રહ્યો હોવા છતાં કોવિડ-19 સમાપ્ત થઈ ગયો છે, એમ કહેવું યોગ્ય નહીં હોય કેમ કે અનેક દેશોમાં કોવિડની બે કરતાં વધુ લહેર જોવા મળી છે.’

હાલમાં દેશમાં કોવિડ-19 સામે કોવિશીલ્ડ, કોવૅક્સિન અને સ્પુટનિક-વી રસી ઉપલબ્ધ છે, જે ૧૮ વર્ષ કરતાં વધુ વયના નાગરિકો માટે છે તેમ જ આ તમામ રસીના બે ડોઝ લેવાના રહે છે.

ઝાયડસ કૅડિલાની સ્વદેશી બનાવટની નીડલ-ફ્રી કોવિડ-19 રસી ઝાયકોવ-ડી ૧૨થી ૧૮ વર્ષની વયજૂથના કિશોરો માટેની દેશની પ્રથમ વૅક્સિન હશે. આ વૅક્સિનને ઇમર્જન્સી ઉપયોગ માટે સ્વિકૃતિ મળી છે.

દેશની સેન્ટ્રલ ડ્રગ ઑથોરિટીની નિષ્ણાતોની પૅનલે અમુક ચોક્કસ શરતોને આધીન રહીને ભારત બાયોટેકની કોવૅક્સિન વૅક્સિનને બેથી ૧૮ વર્ષની વયજૂથનાં બાળકો અને કિશોરો માટે ભલામણ કરી છે.

જો ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાની મંજૂરી મળશે તો ૧૮ વર્ષથી ઓછી વયના લોકોને રસીકરણની મંજૂરી મેળવનારી ઝાયડસ-કૅડિલાની ઝાયકોવ-ડી પછીની આ બીજી વૅક્સિન હશે.

14146

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના આટલા નવા કેસ નોંધાયા હતા. તેમજ ૨૪ કલાકમાં ૧૪૪ કોરોનાં-મૃત્યુ નોંધાયાં હતાં.

national news coronavirus covid19 covid vaccine