અનલકી અનલૉક : 24 કલાકમાં કોરોનાના 9500થી વધુ કેસ

05 June, 2020 01:22 PM IST  |  New Delhi | Agencies

અનલકી અનલૉક : 24 કલાકમાં કોરોનાના 9500થી વધુ કેસ

પ્રતીકાત્મક તસવીર

અનલૉક-1 અનલકી સાબિત થઈ રહ્યો હોય એમ ૧ જૂનથી લૉકડાઉનમાં અપાયેલી સવિશેષ છૂટછાટોને કારણે અથવા તો ભારત કોરોનાના ખતરનાક ત્રીજા તબક્કા કમ્યુનિટી ટ્રાન્સમિશનમાંથી પસાર થઈ રહ્યું હોય એમ ગઈ કાલે સવારે ગુરુવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમ્યાન ભારતમાં આજદિન સુધીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯૬૩૩ કેસ કોરોના પૉઝિટિવના બહાર આવ્યા છે તો આ જ ૨૪ કલાકમાં વધુ ૨૬૦ લોકોનાં મોત થયાં છે. હજી તો ૮ જૂનથી શૉપિંગ મૉલ-જિમ અને તમામ ધાર્મિક સ્થળો ખોલવાના નિર્ણયથી કોરોનાના કેસમાં વધારો થવાની સંભાવના જોવામાં આવી રહી છે. છેલ્લા ૬ દિવસથી સતત ૮૦૦૦ની ઉપર કેસ બહાર આવી રહ્યા હતા, પરંતુ ગઈ કાલ સુધીમાં સૌથી વધારે કેસ બહાર આવ્યા છે ત્યારે લૉકડાઉન કારગત નિવડ્યો કે કેમ એની પણ ચર્ચા થઈ રહી છે. આટલી મોટી સંખ્યામાં કેસ રોજેરોજ બહાર આવવા એ એ બાબતનો ભયજનક સિગ્નલ હોઈ શકે કે શું ભારતમાં ખરેખર સમુદાય સંક્રમણનો દોર શરૂ થયો છે કેમ. આ એક એવો દોર છે કે એમાં જેની કોઈ ટ્રાવેલ હિસ્ટરી ન હોય તો પણ તેને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોય છે. નિષ્ણાતો દ્વારા એને કમ્યુનિટી સંક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. સરકારે અને નિષ્ણાતોએ લૉકડાઉન-1 વખતે લોકોને ચેતવણી આપી હતી કે ભારત સંક્રમણના બીજા તબક્કામાં છે અને જો ત્રીજા તબક્કામાં પ્રવેશ કરશે તો હાહાકાર મચી જાય એટલા કેસો બહાર આવશે. એ જોતાં રોજના ૮૦૦૦ અને હવે ૯૦૦૦ કરતાં વધારે કેસ ખતરનાક માનવામાં આવી રહ્યા છે.

સૂત્રોએ કહ્યું કે કોરોના વાઇરસની ચેઇન એટલે કે સાંકળ તોડવા માટે અને લોકોને કોરોનાથી બચાવવા માટે ભારતમાં ૬૦ દિવસ સુધી તબક્કા વાર ૪ લૉકડાઉન લાદવામાં આવ્યાં હતાં, તેમ છતાં કેસો ઘટવાને બદલે જાણે કે ધીમે-ધીમે વધી રહ્યા હોય એમ હવે આંકડો ૯૦૦૦ની ઉપર સુધી પહોંચી ગયો છે. મંગળવારે ૮૦૦૦ની ઉપર અને બુધવારે ૯૦૦૦ની ઉપર કેસ બહાર આવી રહ્યા છે. અલબત્ત, સત્તાવાળાઓએ આ કેસ વધવા માટે કમ્યુનિટી સંક્રમણનો ઇનકાર કર્યો છે.
દેશમાં ૨૫ માર્ચથી ૩૧ મે સુધી બે મહિના કરતાં પણ વધારે સમયથી લૉકડાઉન લાગુ હોવા છતાં પણ કોરોના વાઇરસના સંક્રમણનો આંકડો બે લાખને પાર થઈ ગયો છે. આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ગુરુવાર સુધીમાં દેશમાં કોરોના વાઇરસના કુલ કેસ વધીને ૨,૧૬,૯૧૯ સુધી પહોંચી ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯૩૦૪ નવા કેસ નોંધાયા છે, જ્યારે આ જ છેલ્લા ૨૪ કલાકમાં ૨૬૦ લોકોનાં કોરોનાનાં કારણે મોત થયાં છે.

જોકે ભારતમાં કોરોનાની બીમારીમાંથી સાજા થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાઇરસનો રિકવરી રેટ ૪૮ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૮૦૪ લોકો સાજા થયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૧,૦૪,૧૦૭ સુધી પહોંચી ગયો છે. અહેવાલ પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૨૬૦ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

new delhi coronavirus covid19 national news