સંસદના બજેટ સત્રમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવાની કોશિશ થશે

15 January, 2022 11:34 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સંસદના બજેટ સત્રની શરૂઆત ૩૧ જાન્યુઆરીએ થશે અને ૮ એપ્રિલે એનું સમાપન થશે

પ્રતીકાત્મક તસવીર

સંસદના બજેટ સત્રની શરૂઆત ૩૧ જાન્યુઆરીએ થશે અને ૮ એપ્રિલે એનું સમાપન થશે. બજેટ સેશનનો પ્રથમ ભાગ ૩૧ જાન્યુઆરીથી ૧૧ ફેબ્રુઆરી સુધી ચાલશે. સત્રનો બીજો ભાગ ૧૪ માર્ચથી ૮ એપ્રિલ સુધી ચાલશે. રાષ્ટ્રપતિ ૩૧ જાન્યુઆરીએ સવારે અગિયાર વાગ્યે સંસદના બન્ને ગૃહોને સંબોધશે. કેન્દ્ર સરકાર ૧ ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે બજેટ રજૂ કરશે.
નોંધપાત્ર છે કે ૪ ડિસેમ્બરથી અત્યાર સુધીમાં સંસદના સ્ટાફમાંથી ૭૦૦થી વધુ લોકો કોરોના પૉઝિટિવ આવ્યા છે. 
રાજ્યસભાના અધ્યક્ષ અને લોકસભાના સ્પીકરે સ્થિતિની સમીક્ષા કરી હતી અને સંસદના બજેટ સત્ર દરમ્યાન બન્ને ગૃહોમાં સ્મૂથ કામગીરી થાય એના માટે એક પ્લાન તૈયાર કરવાની સૂચના આપી હતી. 
અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ બજેટ સત્ર દરમ્યાન લોકસભા અને રાજ્યસભા માટે અલગ-અલગ ટાઇમટેબલ્સ અને સોશ્યલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને બેઠક વ્યવસ્થા કરવા માટે જુદા-જુદા ઑપ્શન્સ પર વિચાર કરી રહ્યા છે. 
એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ‘અમે જુદા-જુદા ઑપ્શન્સ ચકાસી રહ્યા છીએ, પરંતુ આ મહિનાના અંતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અંતિમ નિર્ણય લેવામાં આવશે. લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના અધ્યક્ષ આ સત્ર 
કેવી રીતે ચલાવવું એ નક્કી કરવા 
માટે ૨૫ કે ૨૬ જાન્યુઆરીએ મળશે. અનેક સંસદસભ્ય, અગ્રણી નેતાઓ અને બન્ને ગૃહોના અનેક અધિકારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે ત્યારે 
આ સત્રમાં બધાની હાજરી પર કેવી રીતે કાપ મૂકવામાં આવશે એ સ્થિતિ સ્પષ્ટ નથી.’

national news coronavirus covid19