08 October, 2025 12:54 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
તાજતેરમાં જ ઝેરી કફ સિરપ (Cough Syrup)ને કારણે દેશમાં બાળકોનાં થયેલાં મૃત્યુના સમાચારે લોકોમાં રોષ જગવ્યો છે. ઝેરી કફ સિરપને કારણે મધ્યપ્રદેશમાં ૧૯ અને રાજસ્થાનમાં ૪ એમ કુલ ૨૩ બાળકોનાં મોત થયાં બાદ દેશભરમાં આવી સિરપ (Cough Syrup) બનાવતી દવાકંપનીઓ સામે પણ પ્રશ્ન ઊઠી રહ્યા છે તો સોશિયલ મીડિયામાં અનેક લોકોએ સરકાર સામે પણ પ્રશ્ન ઊભા કર્યા છે. સરકાર આટલી બેદરકાર કઈ રીતે હોઈ શકે? એવા સવાલ સાથે લોકોએ પોતાનો રોષ સોશિયલ મીડિયામાં ઠાલવ્યો છે.
શરૂઆતમાં બાળકોનાં મોતના સમાચાર મધ્યપ્રદેશમાંથી સામે આવ્યા હતા. પણ પછી તો પડોશી રાજ્ય રાજસ્થાનમાં સુદ્ધા સ્થાનિક ધોરણે બનાવવામાં આવેલ ડેક્સટ્રોમેથોર્ફન સિરપ (Cough Syrup) કે જે ખૂબ જ નાનાં બાળકો માટે ગંભીર ઉધરસને મટાડવા માટે આપવામાં આવે છે તે આપ્યા બાદ બાળકોનાં મોત થયાં હતાં.
દૂષિત ડાયથિલિન ગ્લાયકોલ હોવાનું સામે આવ્યું હતું
તાજતેરમાં જ સામે આવ્યું હતું કે મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના બાળકો કફ સિરપનું સેવન કર્યા બાદ મૃત્યુ પામ્યા હતા, તેમાં ઝેરી દૂષિત ડાયથિલિન ગ્લાયકોલ (DEG) હોવાનું જાણવા મળ્યું હતું. તમિલનાડુસ્થિત Sresan ફાર્માસ્યુટિકલ્સ દ્વારા ઉત્પાદિત કોલ્ડ્રીફ સિરપ (Cough Syrup)માં 48.6 ટકા DEG હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેની મર્યાદા તો 0.1 ટકાથી પણ ઓછી હોવી જોઈએ.
લોકોમાં રોષ – સોશિયલ મીડિયા પર લોકો કરી રહ્યા છે ચર્ચા
સોશિયલ મીડિયામાં The Liver Doc તરીકે જાણીતા સિરિયાક એબી ફિલિપ્સ નામના એક ભારતીય હિપેટોલોજિસ્ટની પોસ્ટ પર નજર કરીએ. આ ડોક્ટર અવારનવાર સંશોધનના આધારે વૈકલ્પિક દવાનાં ટીકાત્મક મંતવ્યો રજૂ કરતા હોય છે. તેમણે તાજેતરમાં સામે આવેલી કફ સિરપની ઘટના ઉપરથી દેશની સરકાર સામે પ્રશ્ન ઊભો કર્યો હતો. તેમની પોસ્ટમાં શું કહ્યું છે તે જુઓ....
તે લખે છે કે "મને કોઈ સમજાવો... રાજસ્થાનમાં ૧૨ બાળકોનાં મૃત્યુ થયાં કારણ શું તો કહે કે તેમને જે કફ સિરપ (Cough Syrup) આપવામાં આવી તે કેસન ફાર્મા દ્વારા બનાવવામાં આવેલા ઝેરી DEGથી દૂષિત થયેલી હતી. મધ્યપ્રદેશમાં શ્રીસન ફાર્મા દ્વારા બનાવવામાં આવેલી કફ સિરપ પીવાથી ૧૧ બાળકોનાં મોત થયાં. મધ્યપ્રદેશ અને તમિલનાડુની સરકારી પ્રયોગશાળાઓ દ્વારા પરીક્ષણમાં તે સાબિત થયું છે. પરંતુ ભારતના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે સિરપ દૂષિત નહોતી ઉપરથી રાજસ્થાનમાં જયારે એક માતાએ પોતાના બાળકને કફ સિરપ આપી તેને જેલમાં ધકેલી દેવાઈ અને મધ્યપ્રદેશમાં કફ સિરપની ભલામણ કરનાર ડૉક્ટરની ધરપકડ કરાઈ. આ ઝેરી સિરપનું ઉત્પાદન કરતી કંપનીમાંથી કોઈની પણ ધરપકડ કરવામાં આવી નહીં કે જેલની સજા પણ કરવામાં ન આવી. આ સિરપ બનાવનાર એક ઉત્પાદક કેસન ફાર્માને નબળી ગુણવત્તાવાળી દવાઓ માટે ૨૦૨૩માં જ બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી. શા માટે આ કાળોતરા સાપ ફરી આવી ગયા? જો મૃત્યુ પામેલાં બાળકોમાંથી કોઈ મોટા બીઝનેસમેનનું હોત કે જેણે સત્તામાં રહેલા રાજકીય પક્ષને ભંડોળ આપ્યું હોત અથવા એમાંથી કોઈ બાળક કોઈ રાજકારણીનું હોત તો આખી કથા જુદી જ દિશામાં હોત, ખરું ને? આપણે કયા શાસનમાં ફસાયેલા છીએ? કે જે સરકાર પોતાનાં દેશનાં બાળકોની કાળજી લેતી નથી. ભારત સર્કસમાં ફેરવાઈ રહ્યું છે! વંચિત લોકો માટે તો આ દેશમાં દરેક નવો દિવસ બોનસ સમાન છે"