કોરોના વાઇરસના કેસ વધીને 139એ પહોંચ્યા

18 March, 2020 11:54 AM IST  |  New Delhi | Agencies

કોરોના વાઇરસના કેસ વધીને 139એ પહોંચ્યા

પ્રતીકાત્મક તસવીર

દેશભરમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે અને હવે આ આંકડો ૧૩૯ સુધી પહોંચી ગયો છે. આ બધાની વચ્ચે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં વધુ એક શખ્સે કોરોના વાઈરસના લીધે છેલ્લા શ્વાસ લીધા. આ ભારતમાં કોરોના વાઇરસનું ત્રીજું મોત અને મુંબઈમાં પહેલું મોત છે. આની પહેલાં દિલ્હી અને કર્ણાટકમાં પણ બે કોરોનાના દરદીઓનાં મોત થઈ ચૂક્યાં છે.

૬૪ વર્ષના વૃદ્ધ દુબઈથી આવ્યા હતા અને મુંબઈની કસ્તુરબા હૉસ્પિટલમાં દાખલ થયા હતા. તેમને હિન્દુજાથી કસ્તુરબા હૉસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. મૃતકનાં પત્ની અને દીકરાનો પણ રિપોર્ટ કોરોના પૉઝિટિવ છે. બીજી બાજુ નોએડામાં બે નવા કોરોના પૉઝિટિવ કેસ મળવાથી ભારતમાં કોરોનાના દરદીઓનો આંકડો વધીને ૧૩૯ થઈ ગયો છે.

ગૌતમબુદ્ધ નગરના ચીફ મેડિકલ ઑફિસર અનુરાગ ભાર્ગવે આજે કહ્યું કે નોએડાના સેક્ટર ૭૮ અને ૧૦૦મા બે કેસની પુષ્ટિ થઈ છે. ભાર્ગવે કહ્યું કે બે લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે. તેમણે કહ્યું કે નો‍એડાના સેક્ટર ૭૮ અને સેક્ટર ૧૦૦મા બે લોકો કોરોના પૉઝિટિવ મળ્યા છે. આ બન્ને લોકો ફ્રાન્સથી પાછા આવ્યા હતા. બન્ને લોકોને આઇસોલેશન વૉર્ડમાં ખસેડાયા છે.

કોરોના વાઇરસના વધતા સંક્રમણને જોતાં ભારતીયો સહિત યુરોપિયન દેશોમાંથી આવતા લોકો પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ સિવાય યુકે અને ટર્કીથી આવનારા લોકો પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે જેમાં ભારતીયો પણ સામેલ છે. તો આજે ફરીથી ભારત સરકારે મંગળવારના અફઘાનિસ્તાન, ફિલિપીન્સ અને મલેશિયાથી આવતા પ્રવાસીઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. કોરોના વાઇરસને પગલે વિદેશમાંથી આવતા પૅસેન્જર્સ માટે આ પ્રતિબંધ લાગુ કરાયો છે. સરકારે આ માટે ઍડિશનલ ટ્રાવેલ ઍડ્વાઇઝરી જાહેર કરી હતી. અગાઉ કેન્દ્ર સરકારે ૧૧ માર્ચ તેમ જ ૧૬ માર્ચના ટ્રાવેલ ઍડ્વાઇઝરી જાહેર કરી હતી. ભારતમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને કુલ ૧૩૯ કેસ દાખલ થયા છે. લદ્દાખમાં વધુ ત્રણ લોકોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યા છે જેમાં બે કેસ લેહના છે અને ૧ કારગિલ જિલ્લાનો છે. હવે લદ્દાખમાં કુલ કેસનો આંકડો ૬ થયો છે. ઓડિશા, જમ્મુ-કાશ્મીરમાં એક-એક કેસ દાખલ થયો, જ્યારે કર્ણાટકમાં બે અને કેરળમાં કોરોનાના ત્રણ નવા કેસ દાખલ થયા.

અમેરિકાએ કોરોના વાઇરસની રસીનું માનવપરીક્ષણ શરૂ કર્યું

વિશ્વભરમાં ઝડપથી ફેલાતા કોરોના વાઇરસની પ્રથમ રસી તૈયાર કરવામાં આવી છે. અમેરિકન સંશોધનકારોએ રસી રેકૉર્ડ સમયમાં તૈયાર કરી પ્રથમ માનવ પરીક્ષણ હાથ ધર્યું છે. ૪૩ વર્ષની મહિલાને સોમવારે યુએસમાં કોરોના વાઇરસની પ્રથમ રસી આપવામાં આવી હતી. સિયાટલના રહેવાસીએ આ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. અમેરિકાની સિયાટલની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે મહિલાને ૬ અઠવાડિયાંની મહેનત બાદ તૈયાર કરવામાં આવેલી રસી આપવામાં આવી હતી. કોરોના વાઇરસની રસી મનુષ્ય પરની પ્રથમ કસોટી છે. વિશ્વમાં આ રસી વિકસિત સમયમાં વિકસાવવામાં આવી છે, જ્યારે ચાઇનામાં કોરોના વાઇરસ મળ્યો ત્યારે અમેરિકન સંશોધનકારો રસી તૈયાર કરવામાં વ્યસ્ત થયા હતા. કેપીડબ્લ્યુ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો સતત આ રસી વિકસાવવા પ્રયાસ કરી રહ્યા હતા. હવે પ્રથમ વખત એની ટેસ્ટ માણસો પર કરવામાં આવી છે. યુએસ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે સંશોધનકારોની ટીમને અભિનંદન પાઠવ્યાં છે જેમણે કોરોના વાઇરસની રસી તૈયાર કરી હતી. હવે આ રસીનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. અપેક્ષા છે કે એનું ક્લિનિકલ ટ્રાયલ સફળ થશે.

યુરોપિયન યુનિયન, ટર્કી અને બ્રિટનના પ્રવાસીઓની આજથી ભારતમાં એન્ટ્રી બંધ

ભારતે અફઘાનિસ્તાન, ફિલિપીન્સ, મલેશિયાથી આવતા પૅસેન્જરો પર પ્રતિબંધ મૂક્યો

દેશમાં એક જ દિવસમાં પાંચ નવા કેસ, ૩ વર્ષની બાળકીનો કોરોના ટેસ્ટ પૉઝિટિવ, જેમાં બે કેસ લેહ અને એક કારગિલ જિલ્લામાં નોંધાયો

દેશભરમાં તમામ મોટાં મંદિરો બંધ, તાજમહલ, લાલ કિલ્લા સહિત બધી ઇમારતો ૩૧ માર્ચ સુધી બંધ

વિશ્વમાં કોરોનાથી ૭૦૦૦થી વધુ લોકોનાં મોત, ૧.૮૨ લાખથી વધુ સંક્રમિત

new delhi coronavirus national news