ઍક્ટિવ કેસનો આંક ૧૨ લાખને પાર

13 April, 2021 11:11 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દેશનો રિકવરી રેટ પણ ઘટીને ૯૦ ટકા કરતાં નીચો ૮૯.૮૬ ટકા રહ્યો છે

અમરિન્દર સિંહે મુકાવી રસી: પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે ગઈ કાલે કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો હતો. તેમણે અન્ય તમામ લોકોને રસી મુકાવવા માટે આગળ આવીને પોતાનું, પરિવારનું તેમ જ સમાજનું રક્ષણ કરવા માટે કહ્યું હતું. એક દિવસ પહેલાં જ એમણે અભિનેતા સોનુ સુદને રાજ્યના રસીકરણના અભિયાનનો બ્રૅન્ડ ઍમ્બેસેડર બનાવ્યો હતો (તસવીર: પી.ટી.આઇ.)

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧,૬૮,૯૧૨ કેસ નોંધાયા છે, જે મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં દૈનિક ધોરણે વિક્રમી સ્તરે છે. આ સાથે દેશમાં કોરોના વાઇરસ સંક્રિમતોનો આંકડો ૧,૩૫,૨૭,૭૧૭ નોંધાયો હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગઈ કાલે જાહેર કરેલી આંકડાકીય વિગતોમાં જણાવ્યું હતું. દેશનો રિકવરી રેટ પણ ઘટીને ૯૦ ટકા કરતાં નીચો ૮૯.૮૬ ટકા રહ્યો છે. ઍક્ટિવ કેસ ૧૨ લાખ કરતાં વધુ નોંધાયા છે, જ્યારે કે એક દિવસમાં ૯૦૪ મૃત્યુ સાથે મરણાંક ૧,૭૦,૧૭૯ પહોંચ્યો છે, જે ૧૮ ઑક્ટોબર, ૨૦૨૦ પછીથી સૌથી વધુ હોવાનું સવારે આઠ વાગ્યે જાહેર કરવામાં આવેલી આંકડાકીય વિગતોમાં જણાવાયું હતું.

સતત ૩૩મા દિવસે ઍક્ટિવ કેસમાં વધારો નોંધાતાં કુલ ઍક્ટિવ કેસ ૧૨,૦૧,૦૦૯ થયા હતા, જે કુલ કેસલોડના ૮.૮૮ ટકા હતા.

આ અગાઉ ૧૨ ફેબ્રુઆરીએ કોરોના વાઇરસના ઍક્ટિવ કેસનો આંકડો સૌથી ઓછો ૧,૩૫,૯૨૬ નોંધાયો હતો, જ્યારે કે ૨૦૨૦ની ૧૮ સપ્ટેમ્બરે સૌથી વધુ ૧૦,૧૭,૭૫૪ નોંધાયો હતો.

કોવિડ-19ના ચેપથી મરનારની સંખ્યામાં લગભગ ૧.૨૬ ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે કે રોગમાંથી સારા થનારા પેશન્ટ્સનો આંકડો ૧,૨૧,૫૬,૫૨૯ પર નોંધાયો છે.

coronavirus covid19 national news