અનલૉક-1ના પહેલા જ દિવસે સોશ્યલ ડિસ્ટન્સિંગના સહારે દેશ પાટે ચઢ્યો

02 June, 2020 09:41 AM IST  |  New Delhi | Agencies

અનલૉક-1ના પહેલા જ દિવસે સોશ્યલ ડિસ્ટન્સિંગના સહારે દેશ પાટે ચઢ્યો

હવે થયાં ઈશ્વરનાં દર્શન : લૉકડાઉનમાં છૂટછાટની જાહેરાત પછી કલકત્તામાં ગઈ કાલે ઉઘાડવામાં આવેલાં મંદિરોમાંના એકમાં પૂજા કરી રહેલા પૂજારીઓ. તસવીર : પી.ટી.આઇ.

આખરે ૬૮ દિવસ બાદ જાણે કે સમગ્ર દેશ દોડતો થયો હોય, ધમધમતો બન્યો હોય એવાં દૃશ્યો આજે ઠેરઠેર જોવા મળ્યાં હતાં. કોરોના લૉકડાઉન-5 કે જેને અનલૉક-1 એવું નામ આપવામાં આવ્યું છે એની ગાઇડલાઇન પ્રમાણે આજે ગુજરાત સહિત અંદાજે ૯૫ ટકા દેશ પુનઃ દોડવા લાગ્યો હતો. અર્થતંત્રની ગાડી ધમધમાટ દોડવા લાગી હતી. જાણે કે કેદમાંથી છૂટ્યા હોય એમ મોટા ભાગના લોકો બહાર નીકળ્યા હતા. કેન્દ્ર સરકારના આદેશ અનુસાર ગઈ કાલથી આખા દેશમાં મોટા ભાગની આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે. ગઈ કાલથી ‘અનલોક-1.0’નો પ્રારંભ થયો છે. એ સાથે જ દેશભરમાં સુરક્ષા, સાવધાની, સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે બજારો, દુકાનો, સરકારી ઑફિસો, બૅન્કો, પ્રાઇવેટ કંપનીઓ, ટ્રેનો, બસ-સેવા વગેરેનો પ્રારંભ થઈ ગયો છે. જોકે સિનેમાના રસિયાઓ, શૉપિંગના રસિયાઓ અને ધાર્મિક વૃત્તિના ભક્તોએ ૮મી સુધી રાહ જોવી પડશે, કેમ કે ૮મીથી મૉલ, મંદિરો અને મલ્ડિપ્લેક્સ ખૂલી જશે. અલબત્ત, કોરોના વકરે નહીં એ માટે રાત્રે ૯થી સવારે પાંચ સુધી સંચારબંધી ચાલુ રહેશે. ૨૦૦ ટ્રેનોનો આજથી પ્રારંભ પણ થયો હતો.

દિલ્હી સહિત દેશનાં મોટા ભાગનાં શહેરો, રાજ્યો અને સંઘ પ્રદેશમાં સામાન્ય સ્થિતિ ધીમે-ધીમે જોવા મળી હતી. રસ્તાઓ પર ટ્રાફિક જૅમનાં દૃશ્યો પણ જોવા મળ્યાં હતાં. સરકારી અને ખાનગી ઑફિસોમાં ગઈ કાલે અવરજવર અને ધમધમાટ જોવા મળ્યો હતો. દરેક રાજ્યોમાં આંતરિક બસવ્યવહાર શરૂ કરવા પ્રયાસો થયા હતા. તો ધીમે-ધીમે બે રાજ્યો વચ્ચે પણ એસટી બસવ્યવહાર શરૂ થવા જઈ રહ્યો છે.

ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે કન્ટેઇનમેન્ટ ઝોનમાં ૩૦ જૂન સુધી નિયંત્રણો રહેશે. એ સાથે જ સ્કૂલ, કૉલેજો હજી બંધ જ રહેશે. રાજ્યો-રાજ્યો વચ્ચે આજથી આંતરરાજ્ય વાહનવ્યવહાર પણ શરૂ થઈ ગયો છે. ગઈ કાલથી મોટા ભાગની છૂટછાટો સાથે આર્થિક પ્રવૃત્તિ શરૂ થતાં લોકોને મોટી રાહત થઈ છે. ગઈ કાલથી જ બજારો સાંજે ૭ સુધી ખુલ્લી રહેવા લાગી છે. કોરોના વાઇરસને હરાવવાની નેમ સાથે સરકાર અને લોકોએ ગઈ કાલથી પુનઃ પોતાનું કામકાજ શરૂ કરી દીધું છે. દેશમાં ગઈ કાલથી અનલૉક-1નો અમલ શરૂ થઈ ગયો છે જેમાં શરતો સાથે છૂટછાટ આપવામાં આવી છે

new delhi national news kolkata assam lockdown coronavirus covid19