કોરોના વાયરસ હવાથી ફેલાય છે! નિષ્ણાતોનો પુરાવા સાથે દાવો

16 April, 2021 06:13 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

આરોગ્ય પર રિસર્ચ કરનાર દુનિયાના સૌથી મોટા મેડિકલ જર્નલ લેસેંટે જણાવ્યું

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાયરસ (Coronavirus) હવાથી ફેલાય છે એ બાબત આ વાયરસ આવ્યું ત્યારથી ચર્ચાતી હતી. પરંતુ તેના કોઈ નક્કર પુરાવા નહોતા. પરંતુ હવે, આરોગ્ય પર રિસર્ચ કરનાર દુનિયાના સૌથી મોટા મેડિકલ જર્નલ લેસેંટે જણાવ્યું છે કે કોરોના વાયરસ હવાથી ફેલાય છે. સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે, હવા દ્વારા વાયરસના ફેલાવાના પૂરતા પુરાવા છે. તેમજ બ્રિટન, અમેરિકા અને કેનેડાના છ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, વાયરસ ફેલાવાને કારણે સંક્રમણને અટકાવવા માટે કરવામાં આવતા પ્રયાસો કામ કરી રહ્યાં નથી અને એટલે જ વાયરસ લોકોમાં ફેલાઈ રહ્યો છે. આ પુરાવા મળ્યા બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને અન્ય હેલ્થ એજન્સીઓ વાયરસ ફેલાવવા માટે જણાવવામાં આવેલાં કારણોમાં બદલાવ કરે, જેથી સંક્રમણને વધતું અટકાવી શકાય તેમ નિષ્ણાતોનું કહેવું છે.

નિષ્ણાતોએ કરેલા રિસર્ચની સમીક્ષા કર્યા પછી કોરોના વાયરસ હવાથી ફેલાવવાના દાવાને મજબૂત કરવા માટે કેટલાક પુરાવા આપ્યા છે. તેમાં સૌથી મોખરે સુપર સ્પ્રેડર ઇવેન્ટ્સનો ઉલ્લેખ છે. જેમાં કાગિટ ચોયર ઇવેન્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમાં એક જ સંક્રમિતથી ૫૩ લોકોમાં વાયરસ ફેલાવવાનો કેસ સામે આવ્યો હતો. સંશોધન દ્વારા ખબર પડી છે કે, આ ઇવેન્ટમાં નજીકનો સંપર્ક અથવા સપાટીથી સંક્રમણ ફેલાવાની વાત સાબિત થઈ નથી.

સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે, ખુલ્લી જગ્યાઓની તુલનામાં બંધ સ્થળોએ કોરોનાનું સંક્રમણ વધુ ઝડપથી ફેલાય છે. બંધ જગ્યાઓ પર હવા-ઉજાસ બનાવીને સંક્રમણનો ફેલાવો ઝડપથી ઘટાડી શકાય છે. તે સિવાય વાયરસનું સાયલન્ટ ટ્રાન્સમિશન એ લોકોમાં વધારે થાય છે જે લોકોમાં શરદી, ઉધરસનાં લક્ષણો જોવા મળતાં નથી. વાયરસના કુલ ટ્રાન્સમિશનનો ૪૦ ટકા ભાગ આ પ્રકારના સંક્રમણથી થાય છે. આ સાયલન્ટ ટ્રાન્સમિશન એ આખા વિશ્વમાં વાયરસના ફેલાવા માટેનું મુખ્ય કારણ છે અને આ આધાર પર જ વાયરસનું હવા દ્વારા ફેલાવાની થિયરી સાબિત થાય છે.

સંશોધનકારોએ જણાવ્યું હતું કે, ડ્રોપલેટ્સ દ્વારા વાયરસનો ઝડપથી ફેલાવો થવાના બહુ ઓછા પુરાવા મળ્યા છે. મોટા ડ્રોપલેટ્સ હવામાં રહેતા નથી અને એ નીચે પડે છે અને સપાટીને સંક્રમિત કરે છે. હવામાં વાયરસ ફેલાવાના વધુ અને મજબુત પુરાવા મળ્યા છે. આવા વાયરસ ટ્રાન્સમિશન માટે તાત્કાલિક જરૂરી પગલાં લેવાં જોઈએ.

નિષ્ણાતો એમ પણ કહે છે કે, ફક્ત હાથ ધોવાથી વાયરસને નહીં હરાવી શકાય. હવાના માધ્યમથી કઈ રીતે વાયરસને ફેલાતો રોકી શકાય તે પણ વિચારવાનું રહેશે. તેને રોકવા માટે વેન્ટિલેશન, એસી, ભીડ ઓછી કરવી, માસ્ક પહેરવું, ઉચ્ચ સ્તરની પીપીઈ કીટ બનાવવી વગેરે પર ધ્યાન આપવું જોઈએ.

coronavirus covid19 national news