દેશમાં કોરોનાનો આતંક : 24 કલાકમાં 7000 પૉઝિટિવ કેસ

26 May, 2020 10:07 AM IST  |  New Delhi | Agencies

દેશમાં કોરોનાનો આતંક : 24 કલાકમાં 7000 પૉઝિટિવ કેસ

પ્રતીકાત્મક તસવીર

ભારતે લૉકડાઉન-૪ પછી હવે લૉકડાઉન-૫ માટેની તૈયારીઓ રાખવી પડે તેમ કોરોના વાઇરસના કેસમાં સોમવારે સવારે સતત ચોથા દિવસે સૌથી વધુ વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૯૭૭ નવા પૉઝિટિવ કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીમાં એક જ દિવસમાં નોંધાયેલા કેસોમાં સૌથી વધારે છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૫૪ લોકોનાં મોત થતાં દેશમાં મૃત્યુ આંક પણ ૪૦૦૦ને વટાવી ગયો છે, કુલ મૃત્યુ આંક હવે ૪૦૨૧ ઉપર પહોંચ્યો છે. સાજા થયેલાઓની સંખ્યા ૫૭,૭૨૧ પર પહોંચી ગઈ છે. રોજેરોજ કેસની વધતી જતી સંખ્યા જોતાં કેન્દ્ર સરકારે લૉકડાઉન-૫ માટેની તૈયારી રાખવી પડે તો નવાઈ નહીં. કેમ કે કેસ ઓછા થવાને બદલે સતત વધી રહ્યા છે, જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો કરતાં સામાન્ય માણસ માટે ચિંતાજનક કહી શકાય તેમ છે. કેમ કે સૂત્રોના કહેવા પ્રમાણે જો આ જ રીતે રોજેરોજ ૫ હજાર કરતાં વધારે કેસ કોરોના પાગઝિટિવના નોંધાતા રહેશે તો સરકાર જનહિતમાં વધુ એક લૉકડાઉન માટે વિચારે તો નવાઈ નહીં.

દેશભરમાં કોરોના વાઇરસે અત્યાર સુધી ૧,૩૮,૫૩૬ લોકોને તેના સંકજામાં લીધા છે અને તેનાથી ૪૦૨૪ લોકોએ જીવ ગુમાવ્યા છે. સાથે જ દેશભરમાં અત્યાર સુધી ૫૭,૬૯૧ લોકો સારવાર બાદ સાજા થયા છે. દેશમાં સૌથી વધારે સંક્રમિતોની સંખ્યા મહારાષ્ટ્રમાં છે.

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ જીસી મુર્મૂ(ગુજરાત કેડર)ના સલાહકાર આર. આર. ભટનાગરની પત્ની અને દીકરો કોરોના પૉઝિટિવ જાહેર થયા છે. તે બન્ને રવિવારે દિલ્હીથી જમ્મુ આવ્યાં હતાં. આર. આર. ભટનાગરે પોતાને પણ સેલ્ફ ક્વૉરન્ટીન કરી લીધા છે. તેમની પત્ની દિલ્હીમાં ડૉક્ટર છે. ભટનાગર પહેલાં સીઆરપીએફના ડીજી પણ રહી ચૂક્યા છે.

કોરોના કોવિડ-૧૯ મહામારીના કેસની સંખ્યામાં ભારત ફક્ત યુએસ, રશિયા અને બ્રાઝિલથી પાછળ છે. દર ૨૪ કલાકમાં તાજા કેસ નોંધાવવા છેલ્લા કેટલાક દિવસોમાં કોવિડ -૧૯ના અન્ય હોટસ્પોટની સંખ્યામાં ભારત સતત આગળ છે.

new delhi national news coronavirus covid19 lockdown