કોરોનાના દર્દીઓનો હૉસ્પિટલોમાં જાનવરોથી પણ બદતર ઇલાજ

13 June, 2020 10:12 AM IST  |  New Delhi | Agencies

કોરોનાના દર્દીઓનો હૉસ્પિટલોમાં જાનવરોથી પણ બદતર ઇલાજ

સુપ્રીમ કૉર્ટ

દેશમાં કોરોના વાઇરસના કેસમાં સતત વિસ્ફોટક પરિસ્થિતિ જોવા મળી રહી છે એવામાં દેશની રાજધાનીમાં કોરોના વાઇરસના કારણે હાલત કફોડી બનતી જઈ રહી છે ત્યારે દેશની સર્વોચ્ચ અદાલતે ટેસ્ટિંગ અને મૃતદેહો મુદ્દે દિલ્હી સરકારની ઝાટકણી કાઢી છે. આટલું જ નહીં અદાલતે કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર અને અન્ય રાજ્યોને પણ નોટિસ ફટકારી છે.

દિલ્હીમાં જે રીતે કોરોના વાઇરસના રાફડો ફાટ્યો છે તેના પર દેશની સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અદાલતે દિલ્હીની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરીને પૂછ્યું કે દિલ્હીમાં ટેસ્ટિંગ ઓછી કેમ થઈ ગઈ છે? આ સિવાય અદાલતે મૃતદેહની સાચવણી મુદ્દે પણ સરકારને ઝાટકી હતી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિલ્હીમાં ટેસ્ટિંગ ૭૦૦૦થી ઘટીને ૫૦૦૦ ઉપર પહોંચી ગઈ છે. દિલ્હી ને ચેન્નઈ જેવાં શહેરો આજની તારીખમાં ૧૫-૧૭ હજાર ટેસ્ટ કરી રહ્યાં છે ત્યારે દિલ્હીમાં માત્ર પાંચ હજાર ટેસ્ટ જ થઈ રહી છે. મૃતદેહ સાથે કેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. દર્દીઓની લાશ કચરામાંથી મળી રહી છે, હૉસ્પિટલમાં દર્દીઓ મરી રહ્યા છે અને તબીબો જોવા તૈયાર નથી.

દેશમાં દરરોજ દસ-દસ હજાર કેસ આવી રહ્યા છે ત્યારે ટેસ્ટિંગ ઘટાડી કેમ દીધી છે? દિલ્હી સરકારે ટેસ્ટિંગ વધારવા માટે શું કર્યું તેના પર જવાબ આપવો પડશે. પરિવારોને લોકોનાં મોતની જાણકારી પણ આપવામાં આવતી નથી. સુનાવણી દરમ્યાન સોલિસિટર જનરલે જણાવ્યું કે કેન્દ્ર સરકારે શબો રાખવા માટે ગાઇડલાઇન આપી જ છે. મીડિયા રિપોર્ટમાં બતાવવામાં આવી રહ્યું છે કે મૃતદેહોની સાથે જ અન્ય દર્દીઓની સારવાર થઈ રહી છે. જે બાદ દિલ્હીના વકીલે કહ્યું કે અમે આ મામલે કમિટીનું ગઠન કર્યું છે અને તે આ મામલો જોઈ રહ્યા છે.

દિલ્હીમાં લૉકડાઉન વધારવામાં નહીં આવે : સત્યેન્દ્ર જૈનની સ્પષ્ટતા

નવી દિલ્હી : (જી.એન.એસ.) કોરોના કેસની વધતી સંખ્યા વચ્ચે સુપ્રીમ કોર્ટની આકરી ફટકાર વચ્ચે દિલ્હી સરકારના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને શુક્રવારે મોટું નિવેદન આપતા કહ્યું કે રાજ્યમાં લૉકડાઉનને આગળ વધારવામાં આવશે નહીં. દિલ્હીમાં કોરોના વાઇરસથી થઈ રહેલા મૃત્યુના સાચા આંકડા પર પુછાયેલા સવાલ પર જૈને કહ્યું કે એમસીડી મૃત્યુના આંકડા પર ભ્રમ ફેલાવી રહી છે.

સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે એમસીડીનો દાવો છે કે દિલ્હીમાં કોરોના સંક્રમણથી ૨૦૯૮ લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે, તો જવાબ આપતાં તેમણે કહ્યું કે ‘કોરોના વાઇરસના સંક્રમણથી થયેલાં મૃત્યુની જાણકારી તેમણે એમને કેમ ન મોકલી? નામ, ઉંમર, રિપોર્ટ જેવી તમામ જાણકારીઓની જરૂર હોય છે. તેમને કોવિડ પૉઝિટિવ રિપોર્ટની સાથે સાથે મૃતકોની સંખ્યાની સૂચિ પૂછો.’

દર્દીઓ મરી રહ્યા છે, કોઈ જોવા તૈયાર નથી, કચરામાંથી લાશો મળી રહી છે, મૃતદેહોની કોઈને ચિંતા નથી, પરિવારને જાણ પણ નથી કરાતી, આ બધું શું ચાલે છે
- સુપ્રીમ કૉર્ટ

supreme court national news coronavirus covid19 lockdown