અનલૉક-1 ઘાતક પુરવાર થયું: 24 જ કલાકમાં 8909 કેસ

04 June, 2020 08:36 AM IST  |  New Delhi | Agencies

અનલૉક-1 ઘાતક પુરવાર થયું: 24 જ કલાકમાં 8909 કેસ

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોના અનલૉક-1 ઘાતક પુરવાર થઈ રહ્યું હોય એમ લૉકડાઉન-૪ બાદ અપાયેલી વધારાની છૂટછાટ સરકાર અને લોકો માટે જોખમકારક બની રહી હોય એમ ગઈ કાલે બુધવારે સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમ્યાન ભારતમાં રેકૉર્ડબ્રેક સમાન અત્યાર સુધીમાં સૌથી વધારે ૮૯૦૯ જેટલા કેસો બહાર આવતાં ચાર-ચાર લૉકડાઉન સફળ રહ્યા કે કેમ એવા સવાલો પણ થઈ રહ્યા છે, કેમ કે છેલ્લા પાંચ દિવસમાં રોજેરોજ ૮૦૦૦-૮૦૦૦ જેટલા કેસ બહાર આવ્યા છે. માત્ર ૧૫ દિવસમાં જ કોરોનાના દરદીઓની સંખ્યા એક લાખમાંથી બે લાખ થઈ ગઈ છે, જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૭ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. દિલ્હીના ૫૮ એવા વિસ્તાર છે જે હવે કોરોના સંક્રમણથી સંપૂર્ણ મુક્ત થઈ ગયા છે.

વૈશ્વિક મહામારી કોરોના વાઇરસનો આતંક ઘટવાની જગ્યાએ દિવસે-દિવસે વધી જ રહ્યો છે. દેશમાં છેલ્લા બે મહિના કરતાં પણ વધારે સમયથી લૉકડાઉન લાગુ હોવા છતાં કોરોના વાઇરસના સંક્રમણનો આંકડો બે લાખને પાર થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે બુધવાર સુધીમાં દેશમાં કોરોના વાઇરસના કુલ કેસ વધીને ૨,૦૭,૬૧૫ સુધી પહોંચી ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૯૦૯ નવા કેસ નોંધાયા છે.

અલબત્ત, ભારતમાં ધીમે-ધીમે કોરોનાની બીમારીમાંથી સાજા થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાઇરસનો રિકવરી રેટ ૪૯ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૭૭૬ લોકો સાજા થયા છે. આ સાથે જ સાજા થયેલા લોકોની સંખ્યા વધીને ૧,૦૦,૩૦૩ સુધી પહોંચી ગઈ છે, જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૭ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

છેલ્લા ૫ દિવસમાં નોંધાયા સૌથી વધુ કેસો

તારીખ કેસ

૨ જૂન - ૮૯૨૦
૩૧ મે - ૮૭૮૯
૩૦ મે - ૮૩૬૪
૨૯ મે - ૮૧૮૩
૨૭ મે - ૭૨૪૬

new delhi coronavirus covid19 lockdown national news