કોરોના અપડેટ: પંજાબના એક જ ગામમાં કોરોનાના 34 કેસથી ગભરાટ

12 April, 2020 11:23 AM IST  |  Chandigarh | Gujarati Mid-day Correspondent

કોરોના અપડેટ: પંજાબના એક જ ગામમાં કોરોનાના 34 કેસથી ગભરાટ

પ્રતીકાત્મક તસવીર

પંજાબમાં કોરોના વાઇરસનો ચેપ સતત વધી રહ્યો છે. આ જીવલેણ વાઇરસના અત્યાર સુધીમાં ૧૩૦ પૉઝિટિવ કેસ નોંધાયા છે જેમાંથી ૧૦ લોકોનાં મૃત્યુ પણ થયાં છે.,પરંતુ મોહાલીના એક ગામમાં ૩૪ દરદીઓ મળી આવ્યા બાદ હંગામો મચી ગયો છે. જવાહરપુર ગામમાં અત્યાર સુધીના કોરોનાના ૩૪ કેસ નોંધાઈ ચૂક્યા છે.

મોહાલી (સાહિબઝાદા અજીતસિંહ નાગર) નાયબ કમિશનર ગિરીશ દયાલાને માહિતી આપતાં જણાવ્યું હતું કે મોહાલીમાં અત્યાર સુધીમાં કોરોનાના ૫૦ કેસ નોંધાયા છે. એકલા જવાહરપુર ગામમાં સૌથી વધુ ૩૪ પૉઝિટિવ કેસ જોવા મળ્યા છે તેમ જ બે લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે પાંચ લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. આ ગામ મોહાલીના ડેરા બસ્સી શહેરમાં આવેલું છે.

પંજાબ સરકારે કોરોના વાઇરસના ઝડપથી વધી રહેલા કેસોને જોતાં રાજ્યમાં પહેલી મે સુધી લૉકડાઉન લંબાવવાનો નિર્ણય પણ લીધો છે. આ સાથે રાજ્યમાં માસ્ક પહેરવાનું પણ ફરજિયાત કરાયું છે. મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે આ વિશે માહિતી આપી હતી. પોતાના નિર્ણય વિશે માહિતી આપતાં મુખ્ય પ્રધાને કહ્યું કે હવે પંજાબમાં માસ્ક પહેરવાનું ફરજિયાત થઈ ગયું છે. જ્યારે પણ તમે ઇમર્જન્સીમાં અથવા આવશ્યક ચીજો માટે ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક પહેરો.
અત્યાર સુધીમાં પંજાબના ૧૭ જિલ્લાઓમાં આ જીવલેણ વાઇરસ ફેલાઈ ચૂક્યો છે. તેને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલા ૨૧ દિવસના લૉકડાઉનને પહેલી મે સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. સરકારનું માનવું છે કે આ એક માત્ર રસ્તો છે જે વાઇરસના સમુદાય ટ્રાન્સમિશનને રોકી શકે છે. પહેલી મે સુધી ચાલતા લૉકડાઉન દરમિયાન સરકાર ઑનલાઇન ડિલિવરી દ્વારા આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય સુનિશ્ચિત કરશે.

આ માહિતી આપતાં પંજાબના મુખ્ય પ્રધાન કાર્યાલયે કહ્યું કે મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહની અધ્યક્ષતામાં રાજ્ય પ્રધાનમંડળે જિલ્લાના નાયબ કમિશનરને નવાં મંડળો સ્થાપવાનો અધિકાર આપ્યો છે. પાકના વેચાણ વગેરે દરમિયાન સામાજિક અંતર જળવાય એ માટે આ કામગીરી કરવામાં આવી છે.

punjab chandigarh mohali coronavirus covid19 national news