ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પચીસ મેથી શરૂ કરવાની જાહેરાત

21 May, 2020 09:37 AM IST  |  New Delhi | Agencies

ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પચીસ મેથી શરૂ કરવાની જાહેરાત

ફ્લાઈટ

બુધવારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ એક ટ્વીટ કરીને દેશમાં પચીસમી મેથી ડોમેસ્ટિક વિમાની-સેવાને ફરીથી શરૂ કરવામાં આવશે એવી માહિતી આપી હતી. તેમણે કહ્યું કે તમામ ઍરપોર્ટ અને ઍરલાઇન કંપનીઓને તેમ જ ઍરપોર્ટ્સને ૨૫ મેથી કામગીરી શરૂ કરવાનું અને એને લગતી તૈયારીઓ શરૂ કરવા માટે કહેવાઈ રહ્યું છે. મંત્રાલય મુસાફરોની અવરજવર માટે અલગથી સ્ટૅન્ડિંગ ઑપરેટિંગ પ્રક્રિયાઓ જારી કરશે.

દેશમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ૨૩ માર્ચથી અને ૨૫ માર્ચથી ઘરેલું ફ્લાઇટ્સ બંધ છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અગાઉ કંપનીઓને ટિકિટ બુક ન કરવા કહ્યું હતું અને લૉકડાઉન-4માં ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ ચાલુ રહેશે એવી માર્ગદર્શિકા બહાર પાડી હતી.

એક સૂત્રએ જણાવ્યું હતું કે ઘરેલું વિમાન કંપનીઓએ જૂનથી ફ્લાઇટનું બુકિંગ શરૂ કરી દીધું છે. દેશમાં કોરોના લૉકડાઉનમાં વિમાની-સેવાઓ ચાલુ થયા પછી સરકાર વિમાનની ટિકિટોની મહત્તમ અને લઘુતમ મર્યાદા નકકી કરવા બાબતે વિચારી રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ પ્રસ્તાવ પર વિચારવિમર્શ શરૂ કરી દીધો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયનું માનવું છે કે એ નક્કી કરવું બહુ જરૂરી છે કે ટિકિટના દરો બહુ વધારે ઊંચા ન જાય અને એટલા ઓછા પણ ન હોય કે ઍરલાઇન્સ કંપનીઓને ખોટ જાય. આ બાબતની માહિતી ધરાવતા એક અધિકારીએ કહ્યું કે જો આ પ્રસ્તાવને લાગુ કરવામાં આવશે તો એ ગ્રાહકો અને વિમાની કંપનીઓની સુરક્ષાનો એક હંગામી ઉપાય હશે. જોકે સરકારનાં આ પગલાં વિશે વિમાન ઉદ્યોગમાં અલગ-અલગ મત છે. વિમાન કંપનીના અધિકારીઓ અને નિષ્ણાતોનું કહેવું છે કે ટિકિટના ભાવોમાં સરકારી દખલની પ્રતિકૂળ અસર થશે. એક અધિકારીએ કહ્યું કે વિમાની કંપનીઓ નજીકના ભવિષ્યમાં પોતાનાં વિમાનોમાં બહુ ઓછા પૅસેન્જરોને બેસાડી શકશે એટલે ટિકિટોના ભાવ બહુ વધવાની શક્યતા છે. એની અસર ગ્રાહકો અને વિમાન પરિવહન પર પડશે.

new delhi national news