ભારતમાં વર્ષ 2021ની શરૂઆતમાં કોરોનાની રસી આવે તેવી શક્યતા

13 September, 2020 07:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતમાં વર્ષ 2021ની શરૂઆતમાં કોરોનાની રસી આવે તેવી શક્યતા

પ્રતીકાત્મક તસવીર

કોવિડ-19ની રસી વર્ષ 2021ની પ્રથમ ત્રિમાસિક ગાળા સુધીમાં તૈયાર થઈ જાય તેવી શક્યતા છે, એમ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ બાબતોના મંત્રી હર્ષ વર્ધને આજે જણાવ્યું હતું.

કોરોનાની રસી કઈ તારીખે લોંચ કરવામાં આવશે તે નક્કી નથી, પણ આ રસી વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળા સુધીમાં (માર્ચ 2021 સુધીમાં) તૈયાર થઈ જાય તેવી શક્યતા છે.

હર્ષ વર્ધને એમ પણ ઉમેર્યું કે, સરકાર વરિષ્ઠ નાગરિકો (સિનિયર સિટીઝન) અને ઉચ્ચ જોખમમાં કામ કરી રહ્યા છે તેમની કોવિડ-19 વેક્સીનેશનની ઈમર્જન્સી અધિકૃતતા માટે પણ વિચારણા કરી રહી છે. તે સર્વસંમતિ પર પહોંચ્યા બાદ જ આ અંગે પગલુ ભરવામાં આવશે.

મોટાભાગની વસ્તીને કોરોનાથી મુક્ત કરવા તે અંગે કોવિડ-19 માટેની વેક્સીન એડમિનિસ્ટ્રેશન બાબત પરનું નેશનલ એક્સપર્ટ ગ્રુપ એક વિગતવાર રૂપરેખા તૈયાર કરી રહ્યું છે. હર્ષ વર્ધન સન્ડે સંવાદ કાર્યક્રમમાં પ્રશ્નોના જવાબ આપતા આ માહિતી આપી હતી. સ્વાસ્થ્ય મંત્રીએ ખાતરી આપી હતી કે સરકાર રસીના માનવીય પરિક્ષણો કરવામાં સંપૂર્ણપણે સાવધાની દાખવી રહી છે.

રસીની સુરક્ષા, ખર્ચ, પારદર્શિતા, કોલ્ડ-ચાઈનની જરૂરિયાત, ઉત્પાદનની સમય સીમા વગેરે જેવા મુદ્દા અંગે વ્યાપક ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. તેમણે ખાતરી આપી હતી કે જેમને ખૂબ જ જરૂર છે તેમના માટે સૌ પહેલા રસી ઉપલબ્ધ કરાવવામાં આવશે, તે માટે નાણાં ચુકવણીની બાબત અસ્થાને રહેશે. સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે યુકેમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીની રસી લેનારમાં કેટલીક જટિલ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ રસીને બાદમાં પરિક્ષણ માટે પુનઃ મંજૂરી આપી દેવામાં આવી છે.

તેમણે કહ્યું કે તેનો પહેલો ડોઝ લેવામાં ખુશી થશે, જેથી કોઈને એવું ન લાગે કે તેના પર વિશ્વાસ કરી ન શકાય. સ્વાસ્થ્ય મંત્રીએ દેશમાં ચાલી રહેલી રસીના પરીક્ષણ તથા તેમાં શુ પ્રગતિ થઈ છે તે અંગે પણ જાણકારી આપી હતી.

રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 94,372 નવા કેસ નોંધાયા છે અને 1,114 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 47,54,357 કેસ થઈ ગયા છે. જેમાંથી 9,73,175 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 37,02,596 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં 78,399 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 78,586 લોકો મૃત્યુ પામ્યા છે. દેશનો રિકવરી રેટ 77.8 ટકા થયો છે. જ્યારે મોતનું પ્રમાણ 1.7 ટકા છે.

 

covid19 coronavirus national news