કોરોના સામે લડવા માટે મોદીનો ત્રણ તબક્કાનો પ્લાન

10 April, 2020 01:47 PM IST  |  Mumbai Desk

કોરોના સામે લડવા માટે મોદીનો ત્રણ તબક્કાનો પ્લાન

દેશમાં કોરોના વાઇરસના કેસ લગાતાર વધી રહ્યા છે. વડા પ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ સરકારે હવે આ મહામારી સામે લડવા માટે ત્રણ તબક્કામાં એક ખાસ યોજના બનાવી છે. કેન્દ્રએ કોવિડ-19 સામેની લડાઈ માટે રાજ્યોને પૅકેજ જાહેર કર્યાં છે. આ પૅકેજને ઇમર્જન્સી રિસ્પોન્સ ઍન્ડ હેલ્થ સિસ્ટમ પ્રીપર્ડનેસ પૅકેજ નામ આપવામાં આવ્યું છે. આ પૅકેજ ૧૦૦ ટકા કેન્દ્રથી ફન્ડેડ છે. કેન્દ્રનું અનુમાન છે કે કોરોના સામે આ લડાઈ લાંબી ચાલશે. રાજ્યો અને કેન્દ્રોને મોકલવામાં આવેલા પત્ર પ્રમાણે પ્રોજેક્ટના ત્રણ તબક્કા છે.

પહેલા તબક્કામાં કોરોના માટે હૉસ્પિટલ વિકસિત કરવા, આઇસોલેશન બ્લૉક બનાવવા, વેન્ટિલેટરની સુવિધા માટે ICU નિર્માણ, પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ્સ સહિતની બાબતો પર ફોકસ રહેશે. લૅબ નેટવર્ક્સ અને ડાયગ્નોસ્ટિક સુવિધાઓ બનાવવા પર ધ્યાન આપવામાં આવશે. સાથે જ ફંડનો ઉપયોગ સર્વેલન્સ, મહામારી વિરુદ્ધ જાગૃતિ અભિયાનમાં કરવામાં આવશે. ફન્ડનો એક ભાગ હૉસ્પિટલો, સરકારી કચેરીઓ, જનસુવિધાઓ અને ઍમ્બ્યુલન્સને સંક્રમણરહિત બનાવવા પર ખર્ચ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ કેન્દ્ર અને રાજ્યો સાથેના ઘણા સંવાદ બાદ સામે આવ્યો છે. રાજ્ય સરકારો તરફથી કોરોના મહામારી સામે લડવા માટે કેન્દ્ર પાસેથી સ્પેશ્યલ પૅકેજની લગાતાર માગણી કરવામાં આવી રહી છે. વડા પ્રધાને મુખ્ય પ્રધાનો સાથે વાતચીત કરી ત્યારે પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. બીજા અને ત્રીજા તબક્કામાં શું કરવામાં આવશે એ વિશે હજી ખુલાસો થયો નથી. એ જે-તે સમયની સ્થિતિ પર નિર્ભર કરશે.

narendra modi coronavirus covid19 national news