ઇન્ટરનેટ સ્પીડમાં લગભગ 20 ટકાનો ઘટાડો: ઘરેથી કામ કરતા લોકો ખૂબ જ પરેશાન

01 April, 2020 07:26 AM IST  |  New Delhi | Agencies

ઇન્ટરનેટ સ્પીડમાં લગભગ 20 ટકાનો ઘટાડો: ઘરેથી કામ કરતા લોકો ખૂબ જ પરેશાન

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસને કારણે સમગ્ર દેશમાં લૉકડાઉનની સ્થિતિ છે. આ સ્થિતિમાં ઘરે રહેતા લોકો મોબાઈલ અને હોમ બ્રોડબેન્ડ સર્વિસિસનો ઉપયોગ કરી રહ્યા છે. કંપનીઓનું કહેવું છે કે આનાથી ઇન્ટરનેટ સ્પીડ ઘણી ઘટી ગઈ છે. એક અભ્યાસ અનુસાર લૉકડાઉનમાં વિડિયો જોવામાં લગભગ ૩૦ ટકાનો વધારો થયો છે. આ કારણે ઇન્ટરનેટ સ્પીડમાં લગભગ ૨૦ ટકા સુધીનો ઘટાડો નોંધોયો છે. એક્સ્પટ્ર્સનું કહેવું છે કે લૉકડાઉન હજી લાંબું ચાલશે જેથી હજી પણ ઇન્ટરનેટની સ્પીડમાં ૨૫થી ૩૦ ટકા સુધીનો ઘટાડો આવી શકે છે.

ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ અસોસિયેશન ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ રાજેશ છારિયાએ કહ્યું કે આગામી થોડાંક સપ્તાહમાં ડેટાના ઉપયોગમાં હજુ વધારો થશે. બૅન્ગલોર અને હૈદરાબાદ જેવાં શહેરોમાં લૉકડાઉન પછીથી ઇન્ટરનેટ ડેટા કન્ઝમ્પશનમાં લગભગ ૭૦ ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. એક અનુમાન મુજબ લૉકડાઉનથી અત્યાર સુધીમાં ઇન્ટરનેટ ડેટાના વપરાશમાં લગભગ ૩૦ ટકાનો વધારો થયો છે.

જવાબદારી સાથે ડેટા ઉપયોગ કરવો જોઈએ જેથી ડેટા કન્ઝેશનના આ નવા પડકારનો સામનો કરી શકાય, ખાસ કરીને સવારે ૯ વાગ્યાથી ૧૧ વાગ્યાની વચ્ચે અને સાંજે ૪થી ૯ વાગ્યા વચ્ચેના પીક અવર્સમાં. જેથી કરીને જરૂરિયાતવાળા લોકોને સ્પીડ મળી રહે.

ભારતમાં અત્યારે લગભગ ૬૮.૭૬ કરોડ ઇન્ટરનેટ યુઝર છે. જેમાંથી માત્ર ૨.૨૩ કરોડ યુઝર જ વાયર બ્રોડબેન્ડનો ઉપયોગ કરે છે. બાકી વધેલા લગભગ ૬૬.૫ કરોડ યુઝર મોબાઈલ અને વાયરલેસ નેટવર્ક પર નિર્ભર છે. દેશભરમાં કોરોનાને કારણે ૨૫ માર્ચથી લૉકડાઉન ચાલી રહ્યું છે. જેથી વર્ક ફ્રૉમ હોમ, ઑનલાઈન શિક્ષણ, મનોરંજન જેવી તમામ એક્ટિવિટી માટે લોકો બ્રોડબેન્ડ અને મોબાઈલ ઇન્ટરનેટ પર નિર્ભર છે.

મહત્વનું છે કે છેલ્લાં બે સપ્તાહમાં રેસિડેન્શિયલ એરિયામાંથી કામ કરનારા યુઝર્સની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે, જેથી સરેરાશ ડાઉનલોડ સ્પીડમાં લગભગ ૨૦ ટકાનો ઘટાડો થયો છે. હાલ તો ૯થી ૧૦ એમબીપીએસ વચ્ચે સ્પીડ રહેશે, પણ જો આવી સ્થિતિ વધુ એક મહિના સુધી ચાલુ રહી તો આમાં ૨૫થી ૩૦ ટકાનો ઘટાડો આવી શકે છે.

tech news national news coronavirus covid19