કોરોના બેકાબૂ પણ રિકવરી રેટ વધીને 63.45 ટકા

25 July, 2020 11:49 AM IST  |  New Delhi | Agencies

કોરોના બેકાબૂ પણ રિકવરી રેટ વધીને 63.45 ટકા

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોના વાઇરસ બેફામ અને બેકાબૂ બની ગયો હોય એમ અનલૉક-2ના ૨૪મા દિવસે ૪૯,૩૧૦ કેસ અને વધુ ૭૪૦નાં મોત થયાં હતાં. બ્રાઝિલ પછી સૌથી વધુ કેસ ભારતમાં સામે આવી રહ્યા છે. ભારતમાં કોરોનાએ હવે ૪૫,૦૦૦ની ઊંચાઈ પકડી હોય એમ હવે છેલ્લા ૩ દિવસથી ૪૫,૦૦૦ની ઉપર કેસ આવી રહ્યા છે. કેસના મામલામાં ભારતની આગળ હવે માત્ર અમેરિકા છે. આમ ભારતમાં ગઈ કાલ સુધીમાં ૧૨,૮૭,૯૪૫ના કુલ કેસ થયા છે. ગઈ કાલે કુલ ૩૪,૬૦૨ દરદીઓ સાજા થતા દેશમાં રિકવરી રેટ વધીને ૬૩.૪૫ ટકા થયો છે. દરમ્યાન કોરોના મહામારીને કારણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ૨૭ જુલાઈએ પોતાના જન્મદિવસની ઉજવણી ન કરવાનો નિર્ણય કર્યો છે. તો આ તરફ રેલવેએ જણાવ્યું કે દેશમાં ૯ જુલાઈ સુધી ૪૧૬૫ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવાઈ છે. હવે એની કોઈ માગણી નથી. ભોપાલમાં આજે શુક્રવાર રાતે ૮ વાગ્યાથી ૪ ઑગસ્ટની સવારે પાંચ વાગ્યા સુધી ટોટલ લૉકડાઉન રહેશે.

આ તરફ રેલવેએ જણાવ્યું કે દેશમાં ૯ જુલાઈ સુધી ૪૧૬૫ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવાઈ છે. હવે એની કોઈ ડિમાન્ડ નથી. આ ટ્રેન દ્વારા ૬૩ લાખ લોકોને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા છે. રેલવે બોર્ડના અધ્યક્ષ વી. કે. યાદવે જણાવ્યું કે જો કોઈ રાજ્ય માગણી કરશે તો એના પર વિચારણા કરવામાં આવશે.

આ વર્ષે સ્વાતંતત્ર્ય દિનની ઉજવણીમાં કોઈ શાળાનાં બાળકો ભાગ લેશે નહીં. ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ અધિકારી (એએસઆઇ)ના એક અધિકારીએ કહ્યું કે લાલ કિલ્લા પર દર વર્ષે ૯૦૦-૧૦૦૦ આમંત્રિતોને બદલે વડા પ્રધાન રાષ્ટ્રને સંબોધન કરે ત્યારે લગભગ ૨૫૦ લોકો ઉપસ્થિત રહેશે. સંરક્ષણ મંત્રાલય દ્વારા અંતિમ સૂચિ તૈયાર કરવામાં આવશે.

કોરોનાની સૌથી સસ્તી દવાને ડીસીજીઆઇની મંજૂરી મળી : એક ટૅબ્લેટની કિંમત ૫૯ રૂપિયા

કોરોના વાઇરસની સૌથી સસ્તી દવા બની ચૂકી છે અને એને બજારમાં લાવવાની મંજૂરી પણ એક દવા-કંપનીને મળી ગઈ છે. આ દવાને બજારમાં લાવવા માટે ડ્રગ્સ કન્ટ્રોલર ઑફ ઇન્ડિયા પાસેથી દવા-કંપનીને મંજૂરી મળી ચૂકી છે. આ દવાની એક ટૅબ્લેટ માત્ર ૫૯ રૂપિયામાં મળશે.આ દવાનું નામ ફેવિટોન છે અને એ બ્રિન્ટન ફાર્માસ્યુટિકલ્સે બનાવી છે. કંપનીનો દાવો છે કે આ એક

ઍન્ટિવાઇરલ ડ્રગ છે જે કોરોના વાઇરસ સામે લડવામાં કોરોનાના દરદીઓને મદદરૂપ બનશે. આ દવા ફેવિપિરાવીરના નામે પણ બજારમાં વેચાય છે.

બ્રિન્ટન ફાર્માએ કહ્યું છે કે ફેવિટોન ૨૦૦ મિલીગ્રામની ટૅબ્લેટમાં આવશે. એક ટૅબ્લેટની કિંમત ૫૯ રૂપિયા હશે. આ કિંમત મૅક્સિમમ રીટેલ પ્રાઇસ હશે. એનાથી વધુ કિંમતે આ દવા વેચી શકાશે નહીં.

બ્રિન્ટન ફાર્માના સીએમડી રાહુલકુમાર દરડાએ કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે આ દવા દેશના દરેક કોરોના દરદીને મળે. અમે એ દરરોજ કોવિડ-સેન્ટર પર પહોંચાડીશું. અમારી દવાની કિંમત પણ ફિક્સ છે. આ એક સસ્તી દવા છે.

new delhi national news coronavirus covid19 lockdown