મહારાષ્ટ્ર સહિત છ રાજ્યોમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું

28 February, 2021 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્ર સહિત છ રાજ્યોમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્ર, કેરલા, પંજાબ, કર્ણાટક, તામિલનાડુ અને ગુજરાત આ છ રાજ્યોમાં કોરોના વાઇરસના કેસમાં ઉછાળો આવતાં દેશમાં કોરોના વાઇરસના અૅક્ટિવ કેસનો આંકડો ગઈ કાલે ૧,૫૯,૫૯૦ નોંધાયો હતો, જે દેશના કુલ કેસ-લોડના ૧.૪૪ ટકા છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૧૬,૪૮૮ નવા કેસ નોંધાયા હતા, જેમાંથી ૮૫.૭૫ ટકા કેસ ઉપર જણાવાયેલ છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના છે. જોકે સૌથી વધુ ૮૩૩૩ કેસ સાથે મહારાષ્ટ્ર પ્રથમ અને ૩૬૭૧ કેસ સાથે કેરલા બીજા સ્થાને રહ્યું છે જ્યારે કે પંજાબમાં ૬૨૨ નવા કેસ નોંધાયા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યા અનુસાર છેલ્લાં બે અઠવાડિયાંમાં એટલે કે ૧૪ ફેબ્રુઆરીથી ગઈ કાલ સુધીમાં કેરલામાં અૅક્ટિવ કોવિડ કેસનો આંકડો ૬૩,૮૪૭થી ઘટીને ૫૧,૬૭૯ થયો હતો, જ્યારે કે આ જ સમયગાળામાં મહારાષ્ટ્રમાં કોવિડ-19 કેસ ૩૪,૪૪૯થી વધીને ૬૮,૮૧૦ થયા હતા.

કોરોના કેસમાં વધારો નોંધાતા કૅબિનેટ સેક્રેટરીએ ગઈ કાલે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઉચ્ચ સ્તરીય સમીક્ષા મીટિંગ બોલાવી હતી, જેમાં તેલંગણ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ગુજરાત, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને પશ્ચિમ બંગાળ મુખ્ય છે. 

coronavirus covid19 national news maharashtra kerala punjab karnataka tamil nadu gujarat