સાંગલીમાં એક જ પરિવારની ૨૪ વ્યક્તિનો ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ

29 March, 2020 07:32 AM IST  |  Mumbai Desk | PTI

સાંગલીમાં એક જ પરિવારની ૨૪ વ્યક્તિનો ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ

પ્રતીકાત્મક તસવીર

સાંગલી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોમાં એક જ પરિવારના ૨૪ સભ્યોનો કોરોના વાઇરસ ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવતાં વહીવટી તંત્રએ આ પરિવાર રહેતો હતો તેના એક કિલોમીટરના વિસ્તારમાં કન્ટેનમેન્ટ ઝોન સેટ કર્યો હતો. આ પરિવારના નજીકના સંબંધમાં ન હોય તેવી ૧૩૫ વ્યક્તિઓને કોરોનાનો ચેપ ન લાગે તે માટે હોમ ક્વૉરન્ટીન કરાયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. 

સાંગલી જિલ્લાના ઇસ્લામપુર ગામમાં ઘરોનું સમૂહ બનાવીને રહેતા આ પરિવારના ચાર જણા હાલમાં જ સાઉદી અરેબિયાથી પાછા ફર્યા હતા એમ જણાવતા ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અભિજિત ચૌધરીએ જણાવ્યું હતું કે આ ચારેયને હાલમાં સાંગલીમાં આઇસોલેશન સુવિધામાં રાખવામાં આવ્યા હતા અને હવે તેમનું સ્વાસ્થ્ય સારું છે. તેમના નજીકના સંપર્કમાં મનાતા પરિવારના ૪૭ સભ્યોને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા જેમાંથી ૨૪ જણાની ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. બાકીના સભ્યોની ટેસ્ટ નેગેટિવ આવી હોવા છતાં હાલમાં તેમને સંસ્થાકીય ક્વૉરન્ટીનમાં રાખવામાં આવ્યા છે. આ પરિવાર સાથે સંપર્ક ધરાવતી વધુ ૩૨૫ વ્યક્તિઓને શોધીને કોરોનાના શંકાસ્પદ પેશન્ટ હોવાની શક્યતાને ધ્યાનમાં રાખી તેમનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

સરકારની આટલી સતર્કતા છતાં તેઓ કઈ રીતે વાઇરસનો પ્રસાર કરી શક્યા તે વિશે પુછાતાં તેમણે કહ્યું હતું કે આ ચારે જણા સાઉદીથી આવ્યા ત્યારે અૅરપોર્ટ પર સ્ક્રિનિંગ શરૂ કરાયું નહોતું તેમ જ વિદેશથી આવેલા મુસાફરોનાં નામની યાદીમાં પણ તેમનાં નામ નહોતાં. ૧૮ માર્ચે સરકાર તરફથી કરવામાં આવેલી સ્ક્રિનિંગ ઝુંબેશ દરમ્યાન તેમનો ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.

૬૭
ગઈ કાલે ૧૪ નવા કેસ ઉમેરાતાં મુંબઈમાં કોરોના વાઇરસના પૉઝિટિવ કેસની સંખ્યા આટલી થઈ છે. તેમજ મરણાંક ૬ થયો હતો.
૧૮૧
રાજ્યમાં ગઈ કાલે ૨૮ નવા કેસનો ઉમેરો થતાં કોરોના વાઇરસગ્રસ્ત દરદીઓની સંખ્યા આટલી થઈ છે.
૧૦૦૩
દેશમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા આટલી થઈ છે. મરનારની સંખ્યા ૨૧ થઈ છે.

sangli coronavirus covid19 maharashtra national news