Coronavirus Scare: PM દ્વારા 14 એપ્રિલ સુધી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન જાહેર

26 March, 2020 07:21 PM IST  |  Delhi | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus Scare: PM દ્વારા 14 એપ્રિલ સુધી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન જાહેર

કોરોનાવારઇસનાં વધી રહેલા જોખમની વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેલિવિઝનનાં માધ્યમથી દેશને સંબોધન કરતાં તમામ દેશવાસીઓને ૧૪મી એપ્રિલ સુધી એટલે કે ત્રણ અઠવાડિયા સુધી ઘરમાં રહેવાની અપિલ કરી છે. તેમણે જાહેરાત કરી કે હાલનાં સંજોગોને જોતા દેશને પુરીરીતે ૨૧ દિવસ સુધી, ત્રણ અઠવાડિયા સુધી લૉકડાઉન કરવાનો નિર્ણય લીધો છે.

 પોતાના સંબોધન દરમિયાન અનેક જાહેરાતો કરતાં વડાપ્રધાને કહ્યું કે, “વિશ્વ બહુ જ કપરાં સમયમાંથી પસાર થઇ રહ્યું છે અને  જનતા કર્ફ્યુએ સાબિત કર્યું કે ભારતીય લોકો કઇ રીતે એક થઇ શકે છે. કોરોનાના રોગચાળા સામેની લડત માટે આ લૉકડાઉનનું પગલું બહુ જ જરૂરી છે. ભારતે આ લૉકડાઉનની આર્થિક કિંમત વેઠવી પડશે પણ એકેએક ભારતીયનાં જીવનને બચાવવું ભારત સરકાર અને રાજ્ય સરકાર અને સ્થાનિક સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે.”

 લોકો પાસેથી તેમના થોડા અઠવાડિયા માંગતા વડાપ્રધાને ભારતની રોગાચાળા સામેની લડાઇ અંગે કહ્યું કે, “સ્વાસ્થ્યનાં એક્સપર્ટ્સની માનીએ તો ૨૧ દિવસનો સમય બહુ જરૂરી છે. આ ૨૧ દિવસ નહીં સચવાય તો દેશ અને તમારો પરિવાર ૨૧ વર્ષ પાછળ જતો રહેશે. દેશ વ્યાપી લૉકડાઉને તમારા ઘરનાં દરવાજા પર લક્ષ્મણ રેખા દોરી દીધી છે અને તમારા ઘરની બહારનું તમારું એક પગલું કોરોનાનાં રોગચાળાને તમારા ઘરમાં લાવી શકે છે.” 

 તેમણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનાં રિપોર્ટનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “આ વાઇરસથી સંક્રમિત એક માણસ સેંકડો લોકો સુધી માત્ર અઠવાડિયામાં જ આ રોગ પહોંચાડી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો બીજો આંકડો પણ અગત્યનો છે. પહેલાં કોરોનાવાઇરસને ૧ લાખ સુધી પહોંચવામાં શરૂઆતાં 67 દિવસ થયા પણ હવે 11 દિવસમાં જ 1 લાખ નવા લોકો સંક્રમિત થઇ ગયા. 2 લાખમાંથી 3 લાખને સંક્રમિત કરવામાં માત્ર ચાર દિવસ થયા. આ રોગ બહુ ઝડપથી ફેલાય છે અને તેને રોકવું બહુ મુશ્કેલ છે.  અમેરિકા, સ્પેઇન, ઇટાલી, ઇરાનમાં કોરોનાએ ફેલાવાનું શરૂ કર્યું ત્યારે એ દેશોમાં સારી સવલત હોવા છતાં તેઓ તેને રોકી ન શક્યા.”

વડાપ્રધાને કઇ રીતે સરકાર 15000 કરોડનું પૅકેજ જાહેર કરી રહી છે અને તે કોરોનાની ટેસ્ટિંગ ફેસિલિટી, PPEs,ICUs, વેન્ટિલેટર્સ માટે તથા મેડિકલ વર્કર્સની તાલિમમાં વપરાશે તે અંગે પણ જાહેરાત કરી. તેમણે જે લોકો ઘરમાં રહેવાનાં છે તે તમામને ડૉક્ટર્સ, નર્સિઝ, પેરામેડિક્સ, પેથોલોજિસ્ટ્સ,એમ્બ્યુલન્સ ડ્રાઇવરથી માંડીને વૉર્ડ બૉય સહિતનાં તમામની સુરક્ષા માટે પ્રાર્થના કરવા કહ્યું.

 

covid19 coronavirus narendra modi national news