કોરોનાએ વધારી ચિંતા: PM ગુરુવારે મુખ્યપ્રધાનો સાથે કરશે બેઠક

11 January, 2022 06:51 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

આ બેઠકમાં અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.

ફાઇલ તસવીર

દેશમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે અત્યંત ચેપી વાયરસના ફેલાવાને રોકવા માટે દેશના વિવિધ ભાગોમાં નવા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. રવિવારે એક ઉચ્ચ-સ્તરીય બેઠકમાં કોવિડની સ્થિતિની સમીક્ષા કરતા, પીએમ મોદીએ જિલ્લા સ્તરે પર્યાપ્ત આરોગ્ય માળખાની ખાતરી કરવા અને મિશન મોડમાં કિશોરો માટે રસીકરણ અભિયાનને વધુ તીવ્ર બનાવવા હાકલ કરી હતી. નોંધપાત્ર રીતે, 2020માં આ રોગચાળો ફાટી નીકળ્યો ત્યારથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાનો સાથે ઘણી બેઠકો કરી છે.

દેશના પાંચ રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 33,470 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, પશ્ચિમ બંગાળમાં 19,286, દિલ્હીમાં 19,166, તમિલનાડુમાં 13,990 અને કર્ણાટકમાં 11,698 કેસ મળી આવ્યા છે. જોકે, દેશભરના કુલ દર્દીઓમાંથી 58.08 ટકા દર્દીઓ આ 5 રાજ્યોના જ છે. જ્યારે એકલા મહારાષ્ટ્રમાં 19.92 ટકા કેસ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્યના મુખ્યમંત્રીઓ સાથેની બેઠક બાદ દેશમાં નિયંત્રણો વધુ કડક કરવામાં આવી શકે છે. કદાચ આ બેઠકમાં લોકડાઉન પર પણ વિચાર કરવામાં આવી શકે છે, પરંતુ અંતિમ નિર્ણય પીએમ મોદી જ લઈ શકશે. જણાવી દઈએ કે નવી દિલ્હી, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં સ્થિતિ ઝડપથી બગડી રહી છે.

national news narendra modi